ગુરૂવારના રોજ મળેલી પ્રથમ સામાન્ય સભામાં નવી વરણીઓ કરાઈ; શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક પદે વિજય ચૌહાણના નામો જાહેર
વડોદરા મહાનગરપાલિકા ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુરૂવારના રોજ નવી ટર્મની સર્વપ્રથમ સામાન્ય સભા ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ખંડેરાવ માર્કેટ સ્થિત સભા હોલમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં શરૂ થયેલી આ મહત્વપૂર્ણ સભામાં વડોદરા મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ પદો માટે નવી વરણીઓ કરવામાં આવી છે, જે સાથે જ વડોદરાના શાસનધૂરાની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે. વડોદરાના પ્રથમ નાગરિક એટલે કે મેયર પદની કમાન ગીતાબેન મકવાણાને સોંપવામાં આવી છે.
ગુરૂવારની સામાન્ય સભાની શરૂઆતમાં નિયમાનુસાર સર્વપ્રથમ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મેયર પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર તરીકે ચૂંટાયા હતા. તેમણે તુરંત જ પોતાનું સ્થાન ગ્રહણ કરી આગળની કાર્યવાહી સંભાળી હતી અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.
મુખ્ય હોદ્દાઓની વરણી સંપન્ન થયા બાદ, નવા ચૂંટાયેલા મેયર દ્વારા મહાનગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિ ના 12 સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ મળેલી સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં વર્ષા વ્યાસની સ્થાયી સમિતિના નવા ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ તમામ નવી વરણીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અને આગામી સમયના વિકાસકાર્યો માટે નવું શાસન કાર્યરત થયું છે.