ગાંધીનગર: રાજય સરકારની ડ્રગ્સ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાંથી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ અને અન્ય શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે બે રીઢા ગુનેગારોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને એક ગુપ્ત માહિતી મળી હતી કે, રાજેશ મોર્યા નામનો વ્યક્તિ તેના ભાગીદારો અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળીને સરીગામ ખાતે ગેરકાયદે રીતે મેફેડ્રોન ડ્રગ્સ બનાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ માહિતીની ગંભીરતાને ધ્યાને લઈને એટીએસના વરિષ્ઠ અધિકારીઓના આદેશથી એક ખાસ ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આ બાતમીની ચોક્કસ ખરાઈ કરવામાં આવી હતી. એટીએસના એસપી કે. સિધ્ધાર્થના માર્ગદર્શન હેઠળ એટીએસ ટીમ તથા વલસાડ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને તેમની ટીમે સરીગામના ભંગારના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી ૨.૩૭૭ કિલોગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ,• ૦.૬૫૮ કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ (જેને ૧૧ માર્ચ ૨૦૨૬થી NDPS અધિનિયમ હેઠળ નિયંત્રિત પદાર્થ જાહેર કરાયો છે) મળી આવ્યો હતો. સાથે ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનો, ગેસ સિલિન્ડર અને કેમિકલ પ્રક્રિયા માટેના વાસણો મળી આવ્યા હતા.
બે આરોપીઓની ધરપકડ
પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સના કાળા કારોબારમાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે, અબ્દુલ કલામ (ઉં.વ.૩૬, રહે., ૩૦૩, દમણ ટાવર, ખારીવાડ, નાની દમણ, મૂળ મૌલાડી, જિ. બલરામપુર, ઉત્તરપ્રદેશ) અને મેહુલકુમાર નલીનકુમાર મકવાણા (ઉં.વ.૪૫, રહે., રાજ રેસિડેન્સી-૧, બલીઠા, વાપી તેમજ સરગમ હાઉસિંગ સોસાયટી, છરવાડા રોડ, વાપી. મૂળ વઢવાણ, સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી રાજેશ મોર્યાને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. એટીએસ ટીમ દ્વારા પકડાયેલા બંને આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેઓ આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.