Vadodara

CBSEના પરીક્ષા પોર્ટલની સુરક્ષાને લઈ એથિકલ હેકર અને બોર્ડ આમને-સામને

હેકરનો દાવો: નોન-ટેસ્ટ યુઝર ડેટા એક્સેસ કર્યો, પુરાવા છે

CBSEનું કહેવું છે કે કોઈ ડેટા લીક થયો નથી પોર્ટલ સુરક્ષિત છે

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં ખામી હોવાના એથિકલ હેકર નિસર્ગ અધિકારીના આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. સીબીએસઈ એ સ્પષ્ટતા કરી કે પ્રોડક્શન ડેટા સાથે કોઈ છેડછાડ થઈ નથી, જ્યારે હેકર પોતાના દાવા પર અડગ છે અને તેની પાસે વિઝ્યુઅલ પુરાવા હોવાનો દાવો કર્યો છે.

એથિકલ હેકર નિસર્ગ અધિકારીએ મંગળવારે એક્સ પર દાવો કર્યો હતો કે તેણે સીબીએસઈના ઓએસએમ પોર્ટલની ખામીઓ ઉજાગર કરી છે અને નોન-ટેસ્ટ યુઝર ડેટા એક્સેસ કર્યો છે. તેની પાસે સ્ક્રીન રેકોર્ડિંગ સહિતના પુરાવા છે. અધિકારીએ આક્ષેપ કર્યો કે ધોરણ-12ની બોર્ડ પરીક્ષા માટેના ઓએસએમ સિસ્ટમમાં સુરક્ષા ખામીઓ છે. સીબીએસઈએ એક્સ પર નિવેદન જાહેર કરીને કહ્યું કે હેકરે જે યુઆરએલને એક્સેસ કર્યું હતું તે માત્ર સેમ્પલ ડેટા સાથેનું ટેસ્ટિંગ સાઇટ હતું અને તેનો ઉપયોગ આંતરિક ટેસ્ટિંગ માટે થતો હતો. બોર્ડે સ્પષ્ટ કર્યું કે, મૂલ્યાંકન માટે વપરાતું પોર્ટલ અલગ યુઆરએલ ધરાવે છે, જેની સાથે કોઈ છેડછાડ થઈ નથી કે તેમાં કોઈ ખામી નથી. સીબીએસઈએ ઉમેર્યું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે તૈનાત કરાયેલા પોર્ટલ પર કોઈ સુરક્ષા ભંગ સામે આવ્યો નથી. સીબીએસઈના ખુલાસા સામે સવાલ ઉઠાવતા અધિકારીએ કહ્યું, જો તે માત્ર ટેસ્ટિંગ સાઇટ હતી તો હું પ્રોડક્શન ડેટા કેવી રીતે એક્સેસ કરી શક્યો? ઓર-માર્ક ડોમેન હેઠળના તમામ મિરર્સમાં સમાન ખામીઓ હતી. તેણે બોર્ડના દાવાઓનો વિરોધ કરતા એક્સ પર સ્ક્રીનશોટ પણ શેર કર્યા અને આક્ષેપ કર્યો કે ખામીઓ માસ્ટર પાસવર્ડ સુધી વિસ્તરેલી હતી. હેકરે એમ પણ કહ્યું કે બોર્ડે જે ડોમેનનો ઉલ્લેખ કર્યો તે વાસ્તવિક ડોમેન જ નહોતું. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના ઉચ્ચ સૂત્રોએ બિઝનેસલાઈન ને જણાવ્યું કે સરકાર આ મામલે સીબીએસઈને સમર્થન આપી રહી છે. સીબીએસઈ આના પર કામ કરી રહ્યું છે અને અમે જે પણ મદદ જોઈએ તે આપી રહ્યા છીએ. સીઈઆરટી-ઈન એ પણ તેની ભૂમિકા ભજવી છે, પણ હવે સીબીએસઈએ જ મુદ્દો ઉકેલવાનો છે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે. જ્યારે એઆઈ આધારિત સાયબર હુમલાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સીઈઆરટી-ઈન એ તાજેતરમાં જ સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે, જોખમી સિસ્ટમોમાં ખામીઓ મળ્યાના 12 કલાકમાં, જ્યાં શક્ય હોય ત્યાં, તેને દૂર કરવામાં આવે.

Most Popular

To Top