Columns

અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયો પહેલાં કોલકાતાની મુલાકાતે કેમ ગયા?

૨૩ મે, ૨૦૨૬ ના રોજ જ્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા, ત્યારે તેમણે પ્રથમ મુલાકાત મધર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીઝની લઈને ભારતમાં ખ્રિસ્તી મિશનરી દ્વારા ચાલતી વટાળપ્રવૃત્તિને સમર્થન આપવાનો પ્રયાસ કર્યો હતો. માર્કો રુબિયોએ તેમની પત્ની જીનેટ અને ભારતમાં અમેરિકન રાજદૂત સેર્ગીયો ગોર સાથે તાલતાલામાં મધર હાઉસમાં લગભગ બે કલાક વિતાવ્યા. તેમણે મધર ટેરેસાની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી, સાધ્વીઓને મળ્યા અને સંસ્થાના એક ઘરની પણ મુલાકાત લીધી.

૨૦૧૨ માં હિલેરી ક્લિન્ટન દ્વારા શહેરની મુલાકાત પછી માર્કો રુબિયો કોલકાતાની મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ બન્યા. માર્કો રુબિયોની આ મુલાકાત માત્ર ધાર્મિક પર્યટન નહોતી પણ તેમાં મોટું રહસ્ય સમાયેલું હતું કે પશ્ચિમ બંગાળમાં હાલમાં આવેલી ભાજપ સરકાર દ્વારા મધર ટેરેસાની સંસ્થા દ્વારા ચાલતી વટાળપ્રવૃત્તિ પર તવાઈ આવી શકે છે, જેનાથી મિશનરીઝ ઓફ ચેરિટીઝ સંસ્થાને બચાવવા માટે અમેરિકા દ્વારા રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાય છે.

ભારત સરકાર દ્વારા ૨૦૨૧માં મિશનરીઝ ઓફ ચેરિટીઝને આપવામાં આવેલું વિદેશી ભંડોળ સ્વીકારવા માટેનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું હતું, જે એક વર્ષ પછી પાછું આપવામાં આવ્યું હતું. હવે આ લાઈસન્સની મુદત ૨૦૨૬ના ડિસેમ્બરમાં પૂરી થાય છે. દરમિયાન ભારત સરકાર ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) માં સુધારાઓ કરવા જઈ રહી છે, જેમાં વિદેશી ભંડોળ પ્રાપ્ત કરીને ભારતમાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ ચલાવતી સંસ્થાઓની સંપત્તિઓ જપ્ત કરવાની પણ જોગવાઈ હશે. આ સંભવિત આક્રમણ સામે મધર ટેરેસાની સંસ્થાને ઉગારી લેવાનો માર્કો રુબિયોનો પ્રયાસ હોય તેવું જણાય છે. જો કે, આ બાબતમાં તેમણે કોઈ જાહેર નિવેદન નથી કર્યું પણ દિલ્હીમાં વડા પ્રધાન મોદીને મળીને ખાનગી રજૂઆત કરી હોય તે સંભવ છે.

ભારતમાં માર્કો રુબિયોના આગમનના થોડા દિવસો પહેલાં અમેરિકન કોંગ્રેસમેન ક્રિસ સ્મિથે વોશિંગ્ટન એક્ઝામિનરમાં એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં વિદેશ ખાતાંને ભારતમાં પ્રસ્તાવિત FCRA સુધારાઓ સામે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. ક્રિસ સ્મિથે ખાસ કરીને મિશનરીઝ ઓફ ચેરિટીનું ઉદાહરણ આપ્યું હતું અને ચેતવણી આપી હતી કે પ્રસ્તાવિત ફેરફારો હેઠળ જો લાઇસન્સ સમાપ્ત થાય તો વિદેશી ભંડોળ મેળવતી સંસ્થાઓની મિલકતો જેવી કે શાળાઓ અને હોસ્પિટલો જપ્ત થઈ શકે છે.

અમેરિકા સંકેત આપી રહ્યું છે કે વિદેશી ભંડોળ ધરાવતી ધાર્મિક સંસ્થાઓ પર ભારતની કડક દેખરેખ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બની જશે.મધર ટેરેસાની મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થા લાંબા સમયથી પશ્ચિમી કલ્પનામાં એક અનોખું સ્થાન ધરાવે છે. સફેદ સાડીઓ પરિધાન કરી સેવા કરી રહેલી નર્સો, મૃત્યુ પામેલાં નિરાધાર દર્દીઓ અને સંતના બલિદાનની કલ્પનામાં લપેટાયેલી આ સંસ્થા ભારતમાંથી પશ્ચિમમાં નિકાસ કરાયેલી સૌથી સફળ સોફ્ટ પાવર બ્રાન્ડ ગણાય છે. આ પ્રતીકવાદ ફક્ત વેટિકન અને વૈશ્વિક કેથોલિક સંસ્થાઓ માટે જ નહીં, પરંતુ ભારત પર નૈતિક લાભ મેળવવા માંગતાં પશ્ચિમી રાજકીય કલાકારો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થયો છે.

વર્ષોથી યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ જેવી અમેરિકન સંસ્થાઓ વારંવાર ભારતને ખાસ ચિંતાના દેશ તરીકે નિયુક્ત કરવા માટે દબાણ કરી રહી છે. આ સંસ્થા હંમેશા દુનિયાના દેશોમાં ધર્માંતરણવિરોધી કાયદાઓ, NGO માટેનાં નિયમનો, લઘુમતીને સ્પર્શતા મુદ્દાઓ અથવા વિદેશી ભંડોળથી ચાલતાં ખ્રિસ્તી સંગઠનો પરના પ્રતિબંધોની આસપાસ સતત ઝુંબેશો ચલાવે છે. માર્કો રુબિયોની કોલકાતા મુલાકાતે ભારત સરકાર તરફ, અમેરિકામાં ખ્રિસ્તી કેથોલિક મતવિસ્તારો તરફ, વૈશ્વિક મિશનરી નેટવર્ક તરફ અને પશ્ચિમી અધિકાર ઇકોસિસ્ટમ તરફ એક સાથે અનેક મોરચે અમેરિકાના રાજદ્વારી સંકેત તરીકે કામ કર્યું છે.

ભારતનો વિદેશી યોગદાન નિયમન કાયદો રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ નેટવર્ક વચ્ચેના મોટા સંઘર્ષમાં મુખ્ય યુદ્ધભૂમિ બની ગયો છે. ભારત અનિયંત્રિત વિદેશી ભંડોળને પરોપકાર તરીકે નહીં, પરંતુ વૈચારિક હસ્તક્ષેપ, વસ્તીવિષયક ઇજનેરી અને પ્રભાવ કામગીરી માટેના માધ્યમ તરીકે જુએ છે. ૨૦૨૧ માં પ્રતિકૂળ માહિતીને કારણે મધર ટેરેસાની સંસ્થાના FCRA લાઇસન્સનું નવીનીકરણ અટકાવી દેવામાં આવ્યું હતું. જો કે જુલાઈ ૨૦૨૨ માં લાઇસન્સ પાછળથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. અમેરિકન કાયદા ઘડનારાઓ, કેથોલિક ચર્ચો અને વૈશ્વિક અધિકાર નેટવર્કોએ આ બાબતને નિયમનકારી મુદ્દા તરીકે નહીં, પરંતુ ધાર્મિક અત્યાચારના મુદ્દા તરીકે પ્રચારિત કરી હતી.

માર્કો રુબિયોની મુલાકાતે મધર ટેરેસાની આસપાસ કાળજીપૂર્વક રચાયેલી વૈશ્વિક દંતકથાઓ પર પણ ચર્ચા ફરી શરૂ કરી છે. ૧૯૧૦માં સ્કોપજેમાં અંજેઝ ગોન્ક્ષે બોજાક્ષિયુ તરીકે જન્મેલાં મધર ટેરેસા એક કેથોલિક નન તરીકે ભારતમાં આવ્યાં હતાં.  તેમણે ૧૯૫૦માં કોલકાતામાં મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી હતી. સમય જતાં તે વિશ્વની સૌથી પ્રખ્યાત ધાર્મિક વ્યક્તિઓમાંની એક બની ગઈ, જે ૨૦૧૬માં વેટિકન દ્વારા સંતત્વની પદવી પામીને પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. ભારતમાં તેમનો પ્રભાવ એટલો ઊંડો હતો કે ભારત સરકાર દ્વારા તેમને ભારતરત્નની ઉપાધિ આપવામાં આવી હતી. મધર ટેરેસાની સાર્વત્રિક કરુણાની કાળજીપૂર્વક જાળવવામાં આવેલી છબી પાછળ એક ઊંડો વિવાદાસ્પદ રેકોર્ડ છુપાયેલો છે.

લેખક ક્રિસ્ટોફર હિચેન્સે મધર ટેરેસાની તપાસમાં વર્ષો વિતાવ્યાં અને ‘ધ મિશનરી પોઝિશન’ પુસ્તક પ્રકાશિત કર્યું. સાથે સાથે તેમણે ‘હેલ્સ એન્જલ’ નામની દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી હતી. ક્રિસ્ટોફર હિચેન્સ એક વિનાશક નિષ્કર્ષ પર પહોંચ્યા કે મધર ટેરેસા ગરીબોનાં મિત્ર નહોતાં, પરંતુ ગરીબીનાં મિત્ર હતાં. મધર ટેરેસાએ છેતરપિંડી કરનાર અમેરિકન ચાર્લ્સ કીટિંગ અને હૈતીના ડુવેલિયર સરમુખત્યાર સહિત ગંભીર રીતે અસામાજિક વ્યક્તિઓ પાસેથી દાન અને સન્માન સ્વીકાર્યાં હતાં. જ્યારે ચાર્લ્સ કીટિંગને વૃદ્ધ પીડિતોને સંડોવતા ગુનાઓ માટે કાર્યવાહીનો સામનો કરવો પડ્યો ત્યારે ટેરેસાએ માફીની વિનંતી કરતો પત્ર ન્યાયાધીશને લખ્યો હતો.

માર્કો રુબિયોના કોલકાતા સ્ટોપની અમેરિકામાં સ્પષ્ટ રાજકીય ઉપયોગિતા પણ હતી. અમેરિકન રાજકારણ વધુ ને વધુ ગઠબંધન સંકેતો દ્વારા કાર્ય કરે છે. ઇવેન્જેલિકલ ખ્રિસ્તીઓ, રૂઢિચુસ્ત કેથોલિકો અને ધાર્મિક સ્વતંત્રતાનાં હિમાયતી જૂથો રિપબ્લિકન રાજકારણમાં પ્રભાવશાળી મતવિસ્તાર રહ્યા છે. માર્કો રુબિયોની કોલકાતા યાત્રાએ આખરે વ્યક્તિગત શ્રદ્ધા કે રાજદ્વારી સૌજન્ય કરતાં ઘણું મોટું કંઈક પ્રગટ કર્યું છે. તેણે એકવીસમી સદીની ભૂરાજનીતિમાં મિશનરી નેટવર્ક, માનવતાવાદી બ્રાન્ડિંગ, ધાર્મિક સ્વતંત્રતાની કથાઓ અને વ્યૂહાત્મક સંકેતો કેવી રીતે ભેળસેળ થાય છે, તે ખુલ્લું પાડ્યું છે.

જો કે, ભારત હવે નબળું પોસ્ટ-કોલોનિયલ રાષ્ટ્ર નથી રહ્યું જે બાહ્ય દબાણને નિઃશંકપણે સ્વીકારવા તૈયાર છે. FCRA, મિશનરી ભંડોળ અને મિશનરીઝ ઓફ ચેરિટી જેવાં સંગઠનો સામેની લડાઈ હવે ફક્ત દાન વિશેની લડાઈ રહી નથી. તે ભારતના સાર્વભૌમત્વ, કથા નિયંત્રણ અને ભારતની સભ્યતાના ભવિષ્યને કોણ આકાર આપે છે તે વિશે છે. આ પરિપ્રેક્ષ્યમાં માર્કો રુબિયોની કોલકાતા યાત્રા ખાસ કાંઈ ફળ આપે તેવી સંભાવના નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top