Vadodara

બકરી ઈદની રજા બદલાતા મેયરની ચૂંટણી પર સસ્પેન્સ: 20 વર્ષ પછી ફરી રજાના દિવસે મળશે પાલિકાનું બોર્ડ?​

28 મેના રોજ જ રજા જાહેર થતાં અસમંજસ;
મ્યુનિસિપલ કમિશનર સરકારનો અભિપ્રાય માંગશે, ફેરફાર નહીં થાય તો વિશેષ સત્તા હેઠળ ચૂંટણી પ્રક્રિયા યથાવત રહેશે

વડોદરા
રાજ્ય સરકાર દ્વારા બકરી ઈદની જાહેર રજાની તારીખમાં ફેરફાર કરવામાં આવતા જ વડોદરા સહિત રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આગામી 28મી મેના રોજ યોજાનારી મેયર સહિતના પદાધિકારીઓની વરણીની સભાને લઈને ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ 28 મેના રોજ જ આ મહત્વની ચૂંટણી યોજાવાની છે, પરંતુ હવે એ જ દિવસે જાહેર રજા આવી પડતાં વહીવટી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજ્ય સરકારનો અભિપ્રાય માંગવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો સરકાર તારીખમાં ફેરફાર મંજૂર નહીં કરે, તો પાલિકાના ઇતિહાસમાં બે દાયકા બાદ ફરી એકવાર જાહેર રજાના દિવસે જ જનરલ બોર્ડની બેઠક મળશે.
વિગતવાર વાત કરીએ તો, વડોદરા સહિત રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓની વરણી માટે આગામી 28મી મેના રોજ સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરાયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તો આ અંગેનો સત્તાવાર એજન્ડા પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો હતો અને 28 મેના રોજ સવારે 11 કલાકે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની વડી કચેરી ખાતે આ બેઠકનું આયોજન પણ પાકું થઈ ગયું હતું.
​અગાઉના સરકારી કેલેન્ડર મુજબ 27 મેના રોજ બકરી ઈદની રજા જાહેર થયેલી હતી, જેથી 28 તારીખે કામકાજનો દિવસ હોવાથી કોઈ ટેકનિકલ અડચણ નહોતી. પરંતુ બીજના ચાંદના દર્શનના આધારે રાજ્ય સરકારે બકરી ઈદની રજા સુધારીને હવે 28 મેના રોજ જાહેર કરી દીધી છે. આ ફેરબદલના કારણે હવે મેયરની વરણીના દિવસે જ સરકારી રજા આવી ગઈ છે, જેને પગલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં તારીખ બદલાશે કે કેમ તે અંગે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
​ખાસ સત્તાનો થઈ શકે છે ઉપયોગ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ અણધારી સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ મામલે રાજ્ય સરકારનો લેખિત અભિપ્રાય માંગી શકે છે કે રજાના દિવસે સભા યોજવી કાયદાકીય રીતે યોગ્ય રહેશે કે નહીં. જો રાજ્ય સરકાર તરફથી તારીખ લંબાવવાની કોઈ સૂચના નહીં મળે, તો મ્યુનિસિપલ કમિશનર પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને પૂર્વ નિર્ધારિત એજન્ડા મુજબ 28 મેના રોજ જ વરણી પ્રક્રિયા યથાવત રાખી શકે છે. અંતિમ નિર્ણય હવે સંપૂર્ણપણે સરકારના વલણ પર નિર્ભર રહેશે.
પાલિકાના ઈતિહાસ પર નજર કરીએ તો જાહેર રજાના દિવસે બોર્ડની સભા મળવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વે આજથી બરાબર બે દાયકા પહેલા, એટલે કે 25 ડિસેમ્બર 2005ના રોજ નાતાલના તહેવારની જાહેર રજા હોવા છતાં પાલિકાના નવનિયુક્ત બોર્ડની પ્રથમ સામાન્ય સભા મળી હતી. હવે જો સરકાર આ વખતે પણ તારીખમાં કોઈ ફેરફાર નહીં કરે, તો 20 વર્ષ બાદ ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થશે અને બકરી ઈદના તહેવારની રજા વચ્ચે જ તમામ સાત મહાનગરપાલિકાઓને નવા મેયર અને અન્ય પદાધિકારીઓ મળશે. હાલ તો પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા પાંખના સભ્યો સરકારના આદેશની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Most Popular

To Top