World

પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાનને POKમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો

પુલવામા હુમલાના મુખ્ય સૂત્રધારની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ મુઝફ્ફરાબાદમાં તેની ગોળી મારીને હત્યા કરી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલામાં તેનું મોત થયું છે. તે પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હતો. આતંકવાદી હમઝા બુરહાન પુલવામા હુમલાના અનેક માસ્ટરમાઇન્ડ્સમાંનો એક હતો.

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામા આતંકવાદી હુમલા સાથે સંકળાયેલા આતંકવાદી હમઝા બુરહાનને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હમઝા બુરહાનને નિશાન બનાવવામાં આવ્યો હતો જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અહેવાલ છે કે હમઝા બુરહાન પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલો હતો અને પુલવામા હુમલાનું કાવતરું ઘડવામાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. પુલવામા હુમલો ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો, જેમાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો જેના કારણે ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે બાલાકોટમાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર હમઝા બુરહાન લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. તેની હત્યા એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને કટ્ટરપંથી નેટવર્ક સાથે જોડાયેલા વ્યક્તિઓને નિશાન બનાવીને રહસ્યમય હુમલાઓની શ્રેણી વારંવાર નોંધાઈ રહી છે. તાજેતરના વર્ષોમાં ઘણા આતંકવાદીઓ કાં તો ગેંગ વોરમાં મૃત્યુ પામ્યા છે અથવા અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. મુઝફ્ફરાબાદમાં બનેલી ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે હુમલાખોરોની ઓળખ અથવા હુમલા પાછળના હેતુ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

હમઝા મુઝફ્ફરાબાદમાં પ્રિન્સિપાલ પદ પર હતો
અલ-બદ્રના આતંકવાદી હમઝા બુરહાનનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર છે. તે 2020 માં પુલવામામાં CRPF પર થયેલા ગ્રેનેડ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તે સમયે હમઝા બુરહાન મુઝફ્ફરાબાદમાં અબ્બાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. 2022 માં ભારત સરકારે અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન, ઉર્ફે ‘ડોક્ટર’ ને UAPA હેઠળ આતંકવાદી તરીકે જાહેર કર્યો હતો. અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન, 2015 થી પાકિસ્તાનમાં રહેતો હતો. અલ-બદ્રનો કમાન્ડર હોવા ઉપરાંત તે આતંકવાદીઓની ભરતીમાં પણ સક્રિય રીતે સામેલ હતો.

Most Popular

To Top