Umreth

આણંદના ઉમરેઠમાં ગાંજાનું વાવેતર પકડાયું, 65 કિલો જથ્થો મળી આવ્યો

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી 32.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ:

આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં રહેતા શખસે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. આ અંગે આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળતાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે સ્થળ પરથી 65.780 કિલોગ્રામ સહિત કુલ રૂ.32.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામના સ્વામીપુરા વિસ્તારમાં રહેતા ભગાભાઈ સોમાભાઈ ઠાકોરે પોતાના ખેતરમાં ગાંજાના છોડવાનું વાવેતર કર્યું છે. આ બાતમી આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. માળી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. પ્રજાપતિ સહિતની ટીમ બનાવી દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં ખેતર તથા રહેણાંક મકાનમાં એક શખસ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતાં તે ભગા સોમાભાઈ ઠાકોર (રહે. ધુળેટા) હોવાનું કબુલ્યું હતું. આ શખસને સાથે રાખી પોલીસે ખેતર તથા મકાનમાં તપાસ કરી હતી. આ તપાસમાં ગાંજાના વાવેતર કરેલા 90 છોડ મળી આવ્યાં હતાં. જેનુ વજન 46.600 કિલોગ્રામ કિંમત રૂ.24.80 તેમજ સુકવવા મુકેલા ગાંજાના મુળ જોડેથી કાપેલા છોડ તેમજ ડાળખીઓ મળી આવ્યો હતો. આમ કુલ કિંમત રૂ.32.89 લાખનો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે ઉમરેઠ પોલીસ મથકે ભગા સોમાભાઈ ઠાકોર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top