Vadodara

મહીસાગર નદીમાં ચાલુ ટ્રેનમાંથી પડતા આણંદના યુવા ડોક્ટરનું મોત

ત્રણ મહિનાના બાળકના પિતાના નિધનથી પરિવાર પર શોકનો માહોલ, આત્મહત્યા કે અકસ્માત? પોલીસ તપાસ શરૂ
વડોદરા: વડોદરા નજીક મહીસાગર નદી પર બનેલી કરૂણ ઘટનામાં આણંદના એક યુવા ડોક્ટરનું મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. ફાજલપુર નજીક ચાલુ ટ્રેનમાંથી નદીમાં પટકાતા ડોક્ટરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને આત્મહત્યા અને અકસ્માત બંને દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
માહિતી મુજબ આણંદના રહેવાસી જૈનીશકુમાર પટેલ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમની પત્ની પણ ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. દંપતીને ત્રણ મહિનાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.
ગત 18મી મેના રોજ જૈનીશકુમાર ટ્રેન મારફતે આણંદથી વડોદરા આવી રહ્યા હતા. દરમિયાન ટ્રેન મહીસાગર નદી પરથી પસાર થઈ રહી હતી ત્યારે ફાજલપુર નજીક અચાનક તેઓ નદીમાં પટકાયા હતા. નજીકમાં કામ કરતા શ્રમિકોએ ઘટના જોતા તરત જ પોલીસને જાણ કરી હતી.
સ્થાનિકોની મદદથી તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હાલ પોલીસે આત્મહત્યા કે અકસ્માતની શક્યતા અંગે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. યુવા ડોક્ટરના અચાનક નિધનથી પરિવાર અને ઓળખીતાઓમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

Most Popular

To Top