World

આસિમ મુનીરનો સિક્રેટ પ્લાન લીક, પરમાણુ સબમરીન માટે ચીનને ગ્વાદર પોર્ટ સોંપવા તૈયાર હતું પાકિસ્તાન!

પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલી એક કથિત ગુપ્ત સૈન્ય ડીલને લઈને અમેરિકાના એક અહેવાલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે. અમેરિકાની એક ન્યૂઝ વેબસાઇટના અહેવાલ મુજબ, પાકિસ્તાન વર્ષ 2024 દરમિયાન ચીન પાસેથી પરમાણુ સબમરીન મેળવવા માટે પોતાના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગ્વાદર પોર્ટને ચીની સેનાના કાયમી સૈન્ય બેઝ તરીકે સોંપવા તૈયાર હતું. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરે ચીન સાથે આ મુદ્દે ગુપ્ત ચર્ચાઓ કરી હતી. પાકિસ્તાનની ઈચ્છા એવી હતી કે તેને એવી પરમાણુ સબમરીન મળે જે સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરી શકે અને જેના કારણે તેને સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતા પ્રાપ્ત થાય. સૈન્ય ભાષામાં સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતાનો અર્થ એવો થાય છે કે જો કોઈ દેશ પર પહેલો પરમાણુ હુમલો થાય અને તેના જમીન તથા હવાઈ મથકો નષ્ટ થઈ જાય, તો પણ સમુદ્રમાં છુપાયેલી પરમાણુ સબમરીન દ્વારા તે દેશ વળતો ઘાતક હુમલો કરી શકે. પાકિસ્તાન લાંબા સમયથી પોતાની ન્યુક્લિયર ટ્રાયડ ક્ષમતા પૂર્ણ કરવા માગે છે. એટલે કે જમીન, હવા અને સમુદ્ર, ત્રણેય માધ્યમથી પરમાણુ હુમલો કરવાની શક્તિ મેળવવી. હાલમાં ભારત સહિત દુનિયાના થોડાક જ દેશો પાસે આવી ક્ષમતા છે. અહેવાલ અનુસાર, પાકિસ્તાન ચીન પાસેથી આ ટેકનોલોજી મેળવવા આતુર હતું, પરંતુ ચીને આ માંગને જોખમી અને અયોગ્ય માનીને આખો સોદો આગળ વધાર્યો નહીં.

ગ્વાદર પોર્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં આવેલો છે અને અરબી સમુદ્ર પાસે તેનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ મોટું માનવામાં આવે છે. ચીનના મહત્ત્વાકાંક્ષી CPEC (ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) પ્રોજેક્ટ માટે પણ આ પોર્ટ અત્યંત મહત્વનો છે. જો ગ્વાદર પર ચીનને કાયમી સૈન્ય હાજરી મળે, તો તે ભારત સહિત સમગ્ર હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીનની અસર વધારવા માટે મોટું પગલું ગણાય. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે પાકિસ્તાનનું પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ વર્ષોથી ચીનની મદદ પર આધારિત રહ્યું છે. 1970 અને 1980ના દાયકામાં ચીને પાકિસ્તાનને પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી ટેકનોલોજી, યુરેનિયમ અને બ્લૂપ્રિન્ટ્સ આપ્યા હતા. પછી 1990ના દાયકામાં ચીને પાકિસ્તાનને M-11 બેલિસ્ટિક મિસાઈલ પણ પૂરી પાડી હતી. જેના કારણે પાકિસ્તાન જમીન અને હવામાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતું બન્યું. પરંતુ સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા હજુ સુધી પાકિસ્તાન પાસે નથી અને તે માટે તે ચીન પર જ આધાર રાખે છે.

રિપોર્ટ મુજબ, પાકિસ્તાન હાલમાં અમેરિકા અને ચીન બંને સાથે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જનરલ આસિમ મુનીર આર્મી ચીફ બન્યા બાદ પાકિસ્તાન અમેરિકાની નજીક જવાની કોશિશ કરી રહ્યું છે. બીજી તરફ, ચીન સાથેના સૈન્ય અને આર્થિક સંબંધો પણ ચાલુ રાખવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે. અમેરિકન નેતૃત્વ દ્વારા આસિમ મુનીર વિશે સકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી છે, જ્યારે ઈરાન સંબંધિત મુદ્દાઓમાં પણ પાકિસ્તાન મધ્યસ્થી તરીકે જોવા મળ્યું છે. જોકે, આ નવા ખુલાસાઓએ બતાવ્યું છે કે પાકિસ્તાન એક તરફ અમેરિકા સાથે સંબંધ મજબૂત કરી રહ્યું છે, તો બીજી તરફ ચીન સાથે ગુપ્ત સૈન્ય સોદા માટે પણ પ્રયાસ કરી રહ્યું હતું. હાલ માટે આ સબમરીન ડીલ આગળ વધી નથી, પરંતુ આ અહેવાલે પાકિસ્તાનની સૈન્ય નીતિ અને તેની વ્યૂહાત્મક ચાલો અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

Most Popular

To Top