World

ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસ દરમિયાન નેધરલેન્ડ પહોંચ્યા હતા, જ્યાં ભારત માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા મળી છે. ભારતે નેધરલેન્ડની વિશ્વપ્રસિદ્ધ સેમિકન્ડક્ટર કંપની ASML સાથે મહત્વપૂર્ણ કરાર કર્યો છે, જેના કારણે હવે ગુજરાતમાં વિશ્વસ્તરની એડવાન્સ ચિપ્સનું ઉત્પાદન થવાનો માર્ગ ખુલ્યો છે. આ ડીલને ભારત માટે ગેમચેન્જર માનવામાં આવી રહી છે અને તેના કારણે ચીનની ચિંતા વધે તેવી શક્યતા છે. ભારત છેલ્લા ઘણા વર્ષોથી વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજના સમયમાં મોબાઈલ, કાર, AI, ડિફેન્સ અને સુપરકમ્પ્યુટર્સ જેવી તમામ આધુનિક ટેકનોલોજીમાં ચિપ્સનું સૌથી વધુ મહત્વ છે. દુનિયાભરમાં ચિપ્સની માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ હાલમાં તેના ઉત્પાદન પર ચીન, તાઇવાન અને અમુક પશ્ચિમી દેશોનું જ વર્ચસ્વ છે. હવે ભારત પણ આ ક્ષેત્રમાં મોટી એન્ટ્રી કરવા જઈ રહ્યું છે.

આ સમગ્ર ડીલનું સૌથી મોટું કેન્દ્ર નેધરલેન્ડની ASML કંપની છે. આ કંપની દુનિયાની એકમાત્ર એવી કંપની છે, જે એડવાન્સ સેમિકન્ડક્ટર બનાવવા માટે જરૂરી અત્યંત આધુનિક લિથોગ્રાફી મશીનો બનાવે છે. આ મશીનો વિના દુનિયાની કોઈ મોટી ચિપ કંપની એડવાન્સ ચિપ્સ બનાવી શકતી નથી. તાઇવાનની TSMC હોય કે અમેરિકાની મોટી ટેક કંપનીઓ બધાને ASMLની ટેકનોલોજી પર આધાર રાખવો પડે છે. હવે ASMLએ ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. બંને કંપનીઓ વચ્ચે થયેલા MoU હેઠળ ગુજરાતના ધોલેરામાં વિશાળ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઊભો કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અંદાજે 91,000 કરોડનું રોકાણ થશે. ટાટા ગ્રુપ આ પ્લાન્ટ તાઇવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) સાથે મળીને સ્થાપિત કરી રહ્યું છે.

ધોલેરામાં બનનારો આ પ્લાન્ટ 300 mm (12 ઇંચ) ચિપ્સનું ઉત્પાદન કરશે, જે વૈશ્વિક સ્તરે ઓટોમોબાઈલ, સ્માર્ટફોન, ડેટા સેન્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીમાં ઉપયોગમાં આવશે. ASML આ પ્રોજેક્ટમાં ટેકનિકલ સપોર્ટ અને અત્યાધુનિક લિથોગ્રાફી કમ્પોનન્ટ્સ પૂરા પાડશે. આ ડીલને કારણે ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક રાજ્ય નહીં પરંતુ હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પણ ઉભરશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)માં આ પ્રોજેક્ટ શરૂ થતાં હજારો લોકોને રોજગાર મળશે અને રાજ્યમાં ટેક આધારિત ઇકોસિસ્ટમ વિકસશે. આ સમગ્ર વિકાસથી ચીન પર સીધી અસર પડી શકે છે. હાલમાં ચીન વૈશ્વિક ચિપ માર્કેટમાં મોટો ખેલાડી છે અને અવારનવાર પોતાની નિકાસ નીતિઓ દ્વારા બીજા દેશો પર દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટેક વોર બાદ વિશ્વની મોટી કંપનીઓ હવે ચીનના વિકલ્પ તરીકે ભારત તરફ જોવાનું શરૂ કરી ચૂકી છે.

ભારત માટે આ ડીલનો સૌથી મોટો ફાયદો આત્મનિર્ભરતા રહેશે. અત્યાર સુધી ભારત મોટા પ્રમાણમાં ચિપ્સ આયાત કરતું હતું, પરંતુ હવે દેશમાં જ ઉત્પાદન શરૂ થતાં આયાત પરની નિર્ભરતા ઘટશે. સાથે સાથે ભારત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર નિકાસકાર દેશ તરીકે પણ ઉભરી શકે છે. પીએમ મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન માત્ર સેમિકન્ડક્ટર ક્ષેત્ર જ નહીં, પરંતુ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, મેરીટાઇમ, હેલ્થકેર અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ અને સહયોગ વધારવા અંગે ચર્ચા થઈ હતી. ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને ઝડપથી અમલમાં લાવવા માટે પણ બંને દેશોએ સકારાત્મક સંકેત આપ્યા છે.

Most Popular

To Top