India

શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં વર્ષ 2020 એક મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું હતું. તે સમયે તૃણમૂલ કોંગ્રેસ (TMC) અંદરથી મજબૂત દેખાતી હતી અને મમતા બેનર્જીનો દબદબો યથાવત હતો, પરંતુ અંદરખાને એક મોટું રાજકીય વાવાઝોડું ઊભું થઈ રહ્યું હતું. આ વાવાઝોડાનું કેન્દ્ર હતા નંદીગ્રામના પ્રભાવશાળી નેતા અને TMCના સૌથી વિશ્વાસુ ચહેરા માનાતા શુભેંદુ અધિકારી.

શુભેંદુ અધિકારી માત્ર સામાન્ય નેતા નહોતા. વર્ષ 2007ના નંદીગ્રામ આંદોલનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જ આંદોલનથી મમતા બેનર્જીને રાજ્યમાં મજબૂત રાજકીય જમીન મળી અને 34 વર્ષ જૂના ડાબેરી શાસનનો અંત આવ્યો હતો. મમતાના સૌથી નજીકના સાથીદાર તરીકે શુભેંદુએ પરિવહન, સિંચાઈ અને જળમાર્ગ જેવા મહત્વના વિભાગો સંભાળ્યા હતા. તેઓ હૂગલી રિવર બ્રિજ કમિશનના અધ્યક્ષ પણ રહ્યા હતા.પરંતુ 2020 સુધી આવતાં પરિસ્થિતિ બદલાવા લાગી.

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પાર્ટીમાં વધુ પ્રભાવશાળી બનતા ગયા. કહેવાય છે કે શુભેંદુ અધિકારીને આ બાબત સ્વીકાર્ય નહોતી. તેઓ અભિષેકના નેતૃત્વ હેઠળ કામ કરવા તૈયાર નહોતા. બંને વચ્ચે આંતરિક તણાવ વધી રહ્યો હતો અને આ મતભેદો ધીમે ધીમે જાહેર થવા લાગ્યા.શુભેંદુ અધિકારીએ જાહેર મંચ પરથી અભિષેક બેનર્જી પર આડકતરી ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. સ્વામી વિવેકાનંદના ઉદાહરણ સાથે તેમણે કહ્યું હતું કે “હું, મને અને મારું”ના સિદ્ધાંતથી દુનિયા બદલાતી નથી. રાજકીય વર્તુળોમાં આ નિવેદન સીધું અભિષેક તરફ નિશાન માનવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની રેલીઓમાંથી મમતા બેનર્જીના ફોટા ગાયબ થવા લાગ્યા અને સૂત્રોચ્ચારમાં પણ “તૃણમૂલ” શબ્દ ઓછો સાંભળાવા લાગ્યો.

25 નવેમ્બર 2020 પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. TMC નંદીગ્રામ હુમલાની 13મી વરસગાંઠ ઉજવી રહી હતી, પરંતુ શુભેંદુએ પાર્ટીના બેનર હેઠળ કાર્યક્રમોમાં ભાગ લેવો લગભગ બંધ કરી દીધો હતો. 26 નવેમ્બરે તેમણે હૂગલી રિવર બ્રિજ કમિશનના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું અને બીજા જ દિવસે મમતા સરકારના મંત્રીપદેથી પણ રાજીનામું આપી દીધું.
આ પછી મમતા બેનર્જીએ શુભેંદુને મનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા.

ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર અને વરિષ્ઠ નેતા સૌગત રાય જેવા દૂત મોકલાયા. અનેક બેઠક અને ચર્ચાઓ થઈ, પરંતુ શુભેંદુ પોતાનાં નિર્ણય પર અડગ રહ્યા. તે સમયે સૌગત રાયે ખુલાસો કર્યો હતો કે 1 ડિસેમ્બર 2020એ બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આશા હતી કે મામલો ઉકેલાઈ જશે. પરંતુ 2 ડિસેમ્બરે શુભેંદુ અધિકારીએ WhatsApp મેસેજ કરીને સ્પષ્ટ કહી દીધું કે “હવે સાથે કામ કરવું શક્ય નથી.” આ મેસેજ પછી TMC નેતૃત્વે શુભેંદુ સાથેની તમામ ચર્ચાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

17 ડિસેમ્બર 2020એ શુભેંદુ અધિકારીએ TMCની પ્રાથમિક સભ્યતામાંથી સત્તાવાર રાજીનામું આપી દીધું. એ જ દિવસે મમતા બેનર્જીએ પોતાની પાર્ટીને “ઘેરી જડો ધરાવતું વડવૃક્ષ” ગણાવી કહ્યું હતું કે બે-ત્રણ અસંતુષ્ટ નેતાઓના જવાથી પાર્ટી પર કોઈ અસર નહીં પડે. પરંતુ આગામી વર્ષોમાં રાજકીય પરિસ્થિતિએ જુદી જ દિશા લીધી. 19 ડિસેમ્બર 2020નો દિવસ બંગાળની રાજનીતિ માટે ઐતિહાસિક સાબિત થયો. મિદનાપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં શુભેંદુ અધિકારીએ ભાજપમાં જોડાઈને TMCને મોટો ઝટકો આપ્યો. ત્યારથી તેઓ ભાજપ માટે

બંગાળમાં સૌથી મહત્વના ચહેરા બની ગયા.
છેલ્લા છ વર્ષમાં શુભેંદુ અધિકારીએ વિરોધ પક્ષના નેતા તરીકે મમતા સરકારને સતત ઘેરી. ચિટફંડ કૌભાંડથી લઈને સંદેશખાલી જેવા મુદ્દાઓ સુધી તેમણે સરકાર વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવ્યું. રાજકીય વિશ્લેષકો માને છે કે 2020નું તે WhatsApp મેસેજ અને ત્યારબાદનું રાજીનામું બંગાળની રાજનીતિમાં એક એવો ટર્નિંગ પોઇન્ટ બન્યું, જેણે આખું રાજકીય સમીકરણ બદલી નાખ્યું.

Most Popular

To Top