Vadodara

કરોડોના આંધણ છતાં વડોદરાના નસીબમાં પૂર ? તંત્રની રહેમનજરે નદીના શ્વાસ રૂંધવાનું સુનિયોજિત કાવતરું

તંત્રની ઉંઘ ક્યારે ઉડશે ? જનતાના ટેક્સના કરોડો રૂપિયા નદી સાફ કરવા વપરાય છે કે નદીને કચરામાં દફનાવવા ?

માંજલપુરથી અટલાદરા સુધી PoP, કાચ અને બાંધકામના કાટમાળનું જોખમી સામ્રાજ્ય, એક તરફ નદી બચાવવાના પોલા દાવા, બીજી તરફ કાંસોમાં કચરો ઠાલવીને રસ્તા બનાવવાની ભૂમાફિયાઓની પેરવી

(પ્રતિનિધિ), વડોદરા. તા.9
વડોદરાના શાસકો અને વહીવટી તંત્રની કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે શહેરના નકશા પર 20 ફૂટ ઊંચા કચરાના ઢગલા સ્વરૂપે દેખાઈ રહ્યો છે. એક તરફ રાજ્ય સરકાર અને કોર્પોરેશન વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને રિવાઈવલ માટે ₹1200 કરોડ જેવી માતબર રકમ ખર્ચવાના હવાઈ કિલ્લા બાંધી રહી છે, ત્યારે બીજી તરફ નદીના અસ્તિત્વ સમાન કુદરતી કાંસો અને પૂરના મેદાનોમાં કચરો ઠાલવીને તેને કાયમી ધોરણે પૂરી દેવાનું પાપ ચાલી રહ્યું છે.

વિશ્વામિત્રી અદિતિ વિદ્યાલયથી લઈને માંજલપુર સનસિટી અને વિશ્વામિત્રી ટાઉનશીપ સુધીના પટમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કોઈપણ પર્યાવરણ પ્રેમીની આંખમાં પાણી લાવી દે તેવા છે. અહીં માત્ર માટી નથી નંખાઈ રહી, પણ બાંધકામનો વેસ્ટ, પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP), કાચના ટુકડા અને ઘાતક પ્લાસ્ટિકનો ખડકલો કરવામાં આવ્યો છે. નદીના કુદરતી કાંસ એ શહેરની ‘નસો’ સમાન છે. આ 20-20 ફૂટ ઊંચા કચરાના પહાડોએ નદીના શ્વાસ રૂંધી દીધા છે.

વિશ્વામિત્રી એ વિશ્વમાં મગરોની વસ્તી માટે જાણીતી નદી છે. આ કચરો જ્યારે વરસાદી પાણીમાં ભળશે, ત્યારે તેમાંથી નીકળતા કેમિકલ્સ અને PoP નદીના પાણીને ઝેરી બનાવશે. આ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી, પણ અબોલ જીવોની હત્યાનું આયોજનબદ્ધ કાવતરું છે.

તંત્રની આ ઘોર બેદરકારીની કિંમત વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોએ ચૂકવવી પડશે. જો કુદરતી વહેણ જ બંધ કરી દેવામાં આવશે, તો પાણી ક્યાં જશે ? ખિસકોલી સર્કલ, મુંજમહુડા, અટલાદરા, વડસર, સમ્રાજ્ય સોસાયટી અને વિશ્વામિત્રી ટાઉનશીપના રહીશો માટે આવનારું ચોમાસું ભયાનક બની શકે છે. નજીવા વરસાદમાં પણ આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાવા એ હવે માત્ર સંભાવના નથી, પણ નિશ્ચિતતા બની ગઈ છે.


વડોદરાની જનતા હવે જાગી છે. “નદી બચાવો” ના નારાઓ વચ્ચે જો નદીને જ ખતમ કરવામાં આવતી હોય, તો આ સરકાર અને તંત્રની સૌથી મોટી નિષ્ફળતા છે. જો આ ગેરકાયદે દબાણો અને કચરાના ઢગલાઓ યુદ્ધના ધોરણે દૂર કરવામાં નહીં આવે, તો વડોદરાવાસીઓએ ‘માનવસર્જિત પૂર’ માટે તૈયાર રહેવું પડશે. તંત્ર જાગે તે પહેલાં… ક્યાંક મોડું ન થઈ જાય !

Most Popular

To Top