પશ્ચિમ બંગાળ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ (WBBSE) એ આજે 8 મેના રોજ માધ્યમિક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ ઘણા દિવસોથી પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 86.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતનું પરિણામ થોડું વધુ સારું રહ્યું છે. ગયા વર્ષે કુલ પાસ ટકાવારી 86.56 ટકા હતી. એટલે કે આ વખતે પરિણામમાં થોડો સુધારો જોવા મળ્યો છે.
જિલ્લાવાર પરિણામની વાત કરીએ તો કાલિમપોંગ જિલ્લાએ સૌથી સારું પ્રદર્શન કર્યું છે. અહીં 95.10 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે કોલકાતા 92.31 ટકા પાસ ટકાવારી સાથે બીજા ક્રમે રહ્યું છે. રાજ્યના કુલ 19 જિલ્લાઓમાંથી 131 વિદ્યાર્થીઓએ ટોપ 10 મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. તેમાં 103 છોકરાઓ અને 28 છોકરીઓનો સમાવેશ થાય છે. આ વર્ષની પરીક્ષામાં ઉત્તર દિનાજપુરના અભિરૂપ ભદ્રે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે 700માંથી 698 ગુણ મેળવી 99.71 ટકા માર્ક્સ મેળવ્યા છે. બીરભૂમના પ્રિયતોષ મુખર્જીએ 696 ગુણ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે અંકન કુમાર જાના અને મૈનાક મંડલ સહિત ત્રણ વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત અરિજિત બોર, અરુણ કામકર, સૌવિક દાસ અને સોહમે સંયુક્ત રીતે ચોથું સ્થાન મેળવ્યું છે. દ્વૈપાયને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ચેક કરી શકે છે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે. પરિણામ સાથે વિદ્યાર્થીઓ ડિજિટલ માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકે છે. પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓએ wbresults.nic.in અથવા WBBSEની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ ‘ધોરણ 10નું પરિણામ 2026’ લિંક પર ક્લિક કરીને રોલ નંબર અને કેપ્ચા દાખલ કરવાના રહેશે. પછી સબમિટ પર ક્લિક કરતા જ પરિણામ સ્ક્રીન પર દેખાશે. ડિજિલોકર મારફતે પણ પરિણામ મેળવી શકાય છે. તેના માટે વિદ્યાર્થીઓએ digilocker.gov.in પર જઈ લોગિન કરવું પડશે. ત્યારબાદ ‘Education’ વિભાગમાં જઈ પશ્ચિમ બંગાળ બોર્ડ પસંદ કરીને ધોરણ 10નું પરિણામ જોઈ શકાય છે. માર્કશીટ ‘Issued Documents’ વિભાગમાં ઉપલબ્ધ રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ બંગાળ બોર્ડના પરિણામોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં કુલ પાસ ટકાવારી 83.61 ટકા હતી, જ્યારે 2025માં તે વધીને 86.56 ટકા થઈ હતી. હવે 2026માં 86.83 ટકા પરિણામ સાથે વધુ સુધારો નોંધાયો છે.