ઈરાન પર હોર્મુઝ બ્લોકેડની અસર નહિવત, હજુ પણ 70% મિસાઈલો અને લોન્ચર્સ સુરક્ષિત હોવાનો દાવો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા ઈરાન નબળું પડ્યું હોવાના કરવામાં આવતા દાવાઓ વચ્ચે સીઆઈએ (CIA) ના એક ગુપ્ત દસ્તાવેજે નવી ચર્ચા જગાવી છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ દ્વારા પ્રકાશિત આ રિપોર્ટ અનુસાર, ઈરાન પર લાદવામાં આવેલા દરિયાઈ બ્લોકેડ છતાં તેની સૈન્ય શક્તિ હજુ પણ નોંધપાત્ર સ્તરે અકબંધ છે. ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલો નષ્ટ થઈ ગઈ છે, પરંતુ સીઆઈઈએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પાસે હજુ પણ 75% મિસાઈલ લોન્ચર્સ અને 70% મિસાઈલોનો જથ્થો સુરક્ષિત છે.
ભૂગર્ભ સુવિધાઓ અને સૈન્ય પુનઃપ્રાપ્તિ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલ અને અમેરિકાના હુમલામાં જે ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓના પ્રવેશદ્વારો નષ્ટ કરવામાં આવ્યા હતા, તેમાંથી મોટાભાગના ઈરાને ફરીથી ખોલી દીધા છે. એટલું જ નહીં, ઈરાને હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલી મિસાઈલોનું સમારકામ પણ કરી લીધું છે અને જે મિસાઈલોનું કામ યુદ્ધ પહેલા પૂર્ણતાના આરે હતું તેનું એસેમ્બલિંગ પણ સફળતાપૂર્વક પતાવી દીધું છે. આ બાબત દર્શાવે છે કે ઈરાન મહિનાઓ સુધી સંઘર્ષ ટકાવી રાખવા સક્ષમ છે.
આર્થિક બ્લોકેડ અને તેની વાસ્તવિકતા
અમેરિકા એવી આશા રાખી રહ્યું છે કે ઓઈલ નિકાસ અટકાવવાથી ઈરાન આર્થિક રીતે ભાંગી પડશે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ બ્લોકેડની વાસ્તવિક અસર જોવા માટે તેને ઓછામાં ઓછા 90 થી 120 દિવસ સુધી ચાલુ રાખવો પડશે. ઈરાને અત્યારથી જ ઓઈલ સ્ટોરેજની સમસ્યા ઉકેલવા માટે ખાડીમાં ઉભેલા ખાલી ટેન્કરોનો ઉપયોગ શરૂ કર્યો છે અને કૂવાઓમાંથી ઓઈલ કાઢવાની ગતિ ધીમી કરી દીધી છે. જોકે ઈરાની ચલણ રિયાલ 18 લાખ પ્રતિ ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, તેમ છતાં ઈરાન નેતૃત્વ સમાધાન કરવાના મૂડમાં જણાતું નથી.
શાંતિ મંત્રણા અને મધ્યસ્થીના પ્રયાસો
એક્સિઓસના અહેવાલ મુજબ, બંને પક્ષો વચ્ચે 14 મુદ્દાઓના પ્રારંભિક સમજૂતી પત્ર (MoU) પર ચર્ચા ચાલી રહી છે, જેમાં યુદ્ધવિરામ અને 30 દિવસની વાટાઘાટોનો પ્રસ્તાવ છે. ઈરાન આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે, જોકે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે આ રિપોર્ટને ‘અમેરિકન વિશ લિસ્ટ’ ગણાવીને ફગાવી દીધો છે. આ સમગ્ર મામલે પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં સમજૂતી થવાની આશા વ્યક્ત કરી છે.
હોર્મુઝ અને પરમાણુ મુદ્દો
મીડિયાના રિપોર્ટ મુજબ, યુરેનિયમ સંવર્ધનને 10 વર્ષ માટે ફ્રીઝ કરવા પર ચર્ચા થઈ રહી છે, જે અગાઉના 20 વર્ષના પ્રસ્તાવ કરતા ઘણો ઓછો સમય છે. આ બાબત ઈઝરાયેલ માટે ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાન પોતાનો માલિકી હક જતાવી રહ્યું છે અને તેને પરમાણુ હથિયાર જેવું જ વ્યૂહાત્મક હથિયાર માને છે, કારણ કે ત્યાંથી તે વિશ્વના ઓઈલ અને ગેસ ક્ષેત્રને ઠપ્પ કરવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પની ચેતવણી અને ઈરાનની જિદ વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર હવે પાકિસ્તાન દ્વારા મળનારા ઈરાનના જવાબ પર છે.