ધો.10નું પરિણામ ઊંચું આવતા પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ
AI અને નવી ટેક્નોલોજીથી કમ્પ્યૂટર બાદ ડિગ્રી કોર્સમાં વધશે ટ્રેન્ડ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 7
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં પરિણામમાં વધારો નોંધાતા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવને કારણે કમ્પ્યૂટર અને આઈટી બ્રાન્ચમાં વધુ ઝોક જોવા મળશે તેવી આશા પ્રવેશ સમિતિના સભ્યો વ્યક્ત કરી રહ્યા છે.
ચાલુ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 83.86 ટકા આવ્યું છે, જે ગત વર્ષે 83.08 ટકા હતું. રિપીટર વિદ્યાર્થીઓ સહિત ગણતરી કરીએ તો અંદાજે 20 હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું માનવામાં આવે છે. A-1 ગ્રેડમાં અંદાજે 7 હજાર અને A-2 ગ્રેડમાં લગભગ 4 હજાર વિદ્યાર્થીઓ પાસ થતા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે સ્પર્ધા વધુ કઠિન બનવાની શક્યતા છે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ કમ્પ્યૂટર અને આઈટી બ્રાન્ચનો ક્રેઝ યથાવત રહેશે. મોટાભાગના વિદ્યાર્થીઓ ડિપ્લોમા બાદ ડિગ્રીમાં AI અને અન્ય અદ્યતન ટેક્નોલોજી આધારિત કોર્સ સાથે આગળ વધવાની યોજના બનાવી રહ્યા છે.
AIના વધતા પ્રભાવને કારણે કેટલાક વિદ્યાર્થીઓ ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ જેવી પરંપરાગત બ્રાન્ચ તરફ પણ આકર્ષાઈ રહ્યા છે. જોકે, કમ્પ્યૂટર-આઈટી બ્રાન્ચમાં ઊંચા મેરિટ સાથે બેઠકો ઝડપથી ભરાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રવેશ સમિતિના સભ્યોનું માનવું છે કે સરકારી કોલેજોમાં ડિપ્લોમા એન્જિનિયરિંગની મોટાભાગની બેઠકો ફુલ થઈ જશે. અંતરિયાળ વિસ્તારોની કેટલીક કોલેજોને બાદ કરતાં કમ્પ્યૂટર-આઈટી સહિત લગભગ તમામ મુખ્ય બ્રાન્ચોમાં ભારે માંગ રહેવાની શક્યતા છે.