SURAT

AI ટેક્નોલોજીથી વધુ સ્માર્ટ બનશે સુરત

શહેરના CCTV હવે રેલવે નેટવર્ક સાથે જોડાશે

સ્માર્ટ સિટી તરીકે ઝડપથી વિકસી રહેલા સુરતને હવે વધુ સુરક્ષિત અને હાઈટેક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભરાઈ રહ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા AI આધારિત સુરક્ષા વ્યવસ્થાને રેલવે નેટવર્ક સાથે સંકલિત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરના CCTV નેટવર્કને રેલવે સ્ટેશનો સાથે જોડવા માટે રાજ્ય અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ માટે પોલીસ કમિશનર દ્વારા રાજ્યના પોલીસ વડા ઇનચાર્જ ડો. કે. એલ. રાવ તેમજ રેલવે વિભાગના IG કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચાઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, સુરત શહેર નજીક આવેલા ઉત્રાણ, ઉધના, ભેસ્તાન, સચિન અને સાયણ જેવા મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનોને શહેરના સેન્ટ્રલ CCTV નેટવર્ક સાથે જોડવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ ગુનેગારો પર વધુ અસરકારક નજર રાખવાનો અને શહેરમાં ગુનો કરીને રેલવે મારફતે ફરાર થતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે.

પોલીસ વિભાગ દ્વારા “ઓન-ડેશ કંટ્રોલ રૂમ” કોન્સેપ્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જો શહેર અને રેલવેના CCTV નેટવર્કને એકીકૃત કરવામાં આવશે તો પોલીસને રિયલ-ટાઈમ માહિતી પ્રાપ્ત થશે. જેના કારણે શંકાસ્પદ હલચલ, ગુનાખોરી અને ફરાર આરોપીઓને ઝડપી ટ્રેક કરવામાં મદદ મળશે.

અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્માર્ટ અને સુરક્ષિત શહેરોના વિઝનને ધ્યાનમાં રાખીને સુરતમાં આધુનિક ટેક્નોલોજીનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. AI આધારિત CCTV સિસ્ટમ અને ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ દ્વારા નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાનું અસરકારક રીતે પાલન થઈ શકશે.
સુરત પોલીસની આ પહેલને શહેરને “સ્માર્ટ સિક્યુરિટી મોડલ” તરફ લઈ જતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top