Vadodara

વડોદરા : IPO-સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને બિલના યુવક સાથે રૂ. 26.05 લાખ છેતરપિંડી

ટ્રાન્સફર કરેલા રૂપિયા નકલી વેબસાઈટ એકાઉન્ટમાં નફા સાથે રૂ. 39 લાખ બતાવી ઠગોએ યુવકને લલચાવ્યો, માત્ર રૂ. 16 હજાર જ પરત કર્યા બાકીના નહીં આપી ઠગાઈ

વડોદરા તા.4

વડોદરા શહેરના બિલ વિસ્તારના યુવકને IPO અને શેર બજારમાં નફો કમાવવાની લાલચ આપી ઠગોએ તેની પાસેથી રૂ. 26.05 લાખની છેતરપિંડી આચરી છે. નકલી વેબસાઈટમાં રોકાણ કરેલા રૂપિયા નફા સાથે રૂ. 39 લાખ યુવકને બતાવ્યા પણ માત્ર રૂ.16 હજાર પરત કર્યા બાકીના નહી મળતા યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના બિલ વિસ્તારમાં રહેતા દીપક ઠાકોરભાઈ રાજે આ મામલે પોલીસમાં નોંધાવેલી
ફરિયાદ મુજબ તેઓ રિલાયન્સ અક્ષર ચોક વિસ્તારમાં જિઓમા ડિલિવરીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તા. 12 ડિસેમ્બર 2025ના રોજ ફેસબુક પર ‘બ્રહ્મી કપસિયા’ નામની યુવતી સાથે તેમની ઓળખાણ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ યુવતીએ શેર બજાર અને IPOમાં રોકાણ કરીને મોટો નફો કમાઈ શકાય તેવી વાતો કરી હતી અને વધુ માહિતી માટે વોટ્સએપ નંબર આપ્યો હતો.
યુવક વોટ્સએપ ગ્રુપમાં જોડાયા બાદ તેમાં અલગ-અલગ IPO વિશે માહિતી આપવામાં આવતી હતી. આરોપીઓએ એક નકલી વેબસાઈટ પર એકાઉન્ટ ખોલાવ્યું અને શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી તેના પર નફો બતાવી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતના ટ્રાન્ઝેક્શનમાં થોડા 16 હજાર રૂપિયા પરત આપતા યુવકનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.
જેથી યુવક લલચાયો હતો અને આરોપીઓના ઝાસામા આવી મોટા રોકાણ માટે તૈયાર થયો હતો. યુવકે અલગ-અલગ તારીખે પોતાના બેંક ખાતામાંથી રૂ. 26.05 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓએ જાણીતી કંપનીઓના નામ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને વેબસાઈટને દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.
રોકાણ બાદ યુવકના એકાઉન્ટમાં રૂ. 39 લાખથી વધુ નફો દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્ર રૂ. 16 હજાર જ પરત મળ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો.
આ બનાવમાં ઠગોએ ઈલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને રૂપિયા 26.05 લાખની છેતરપિંડી કરી હોય પોલીસે ગુનો નોંધી સાયબર ઠગોની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top