Vadodara

પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો

અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓ, આઠ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં મતદાન પશ્ચાત આજ રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે મતગણતરી પ્રક્રિયા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેરના પંડ્યા બ્રિજ પાસેની પોલીટેકનિક કોલેજ ખાતે વ્યાપક અને સુદ્રઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થાય તે હેતુથી સમગ્ર કેન્દ્રનું ઝીણવટભર્યું માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશદ્વાર, બેઠક વ્યવસ્થા અને વાહન પાર્કિંગથી લઈને રાઉન્ડ મુજબ પરિણામ જાહેર કરવા સુધીની સંપૂર્ણ કાર્યયોજના જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ મતગણતરી કેન્દ્રમાં સુચારુ પરિવહન અને ભીડ નિયંત્રણ માટે બે મુખ્ય પ્રવેશદ્વાર નક્કી કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર નંબર-1 નો ઉપયોગ માત્ર ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય પ્રવેશદ્વાર નંબર-2 મારફતે ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો, મતગણતરી એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મતગણતરી મથક સંકુલની અંદર વિવિધ વોર્ડ અને વિભાગો માટે ત્રણ આંતરિક ગેટ થકી પ્રવેશ નિયંત્રિત કરવામાં આવ્યો છે. ગેટ નંબર-1 મારફતે રૂમ નંબર-૨૫માં વોર્ડ નંબર 1, 2, 3 અને રૂમ નંબર-85 માં વોર્ડ નંબર 7, 8, 9 ની મતગણતરી માટે જઈ શકાશે, તથા ગ્રાઉન્ડ ફ્લોર પર પંચાયત અને નગરપાલિકા કંટ્રોલ રૂમ સ્ટાફ કાર્યરત રહેશે. ગેટ નંબર-2 થી વોર્ડ નંબર 13, 14, 15(રૂમ નંબર-33), વોર્ડ નંબર 4, 5, 6 (રૂમ નંબર 84) અને વોર્ડ નંબર 10, 11, 12 (રૂમ નંબર-78) ના મતગણતરી સ્થળ સુધી પહોંચી શકાશે, જ્યારે આ જ ગેટ થકી ગ્રાઉન્ડ ફ્લોર પર ઓબ્ઝર્વર રૂમ, કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને મેડિકલ રૂમ ખાતે જઈ શકાશે. ગેટ નંબર-3 નો ઉપયોગ રૂમ નંબર-38માં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 ના મતગણતરી રૂમ તથા ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત મીડિયા રૂમ સુધી પહોંચવા માટે કરવાનો રહેશે. દરેક વોર્ડના ઉમેદવાર અને એજન્ટો માટે હોસ્ટેલ પરિસરમાં બાહ્ય બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પાલિકાના કુલ 19 વોર્ડની મતગણતરી 6 રિટર્નિંગ ઓફિસર (આર.ઓ.) દ્વારા સમાંતર રીતે હાથ ધરવામાં આવી છે. વહીવટી સરળતા માટે દરેક રિટર્નિંગ ઓફિસરોને નિયત વોર્ડની ફાળવણી કરાઈ છે, દ્રષ્ટાંત સ્વરૂપે વડોદરા શહેર પ્રાંત અધિકારી વોર્ડ નંબર 1, 2 અને 3 ના આર.ઓ. તરીકે ફરજ નિભાવશે અને તેઓ સર્વ પ્રથમ વોર્ડ નંબર 1 થી ગણતરીનો પ્રારંભ કરશે. તેમને સમાંતર અન્ય રિટર્નિંગ ઓફિસર પણ ગણતરી શરૂ કરશે. એ પ્રકારે પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નં. 1, 4, 7, 10, 13, 16; બીજા રાઉન્ડમાં 2, 5, 8, 11, 14, 17; ત્રીજા રાઉન્ડમાં 3, 6, 9, 12, 15, 18 તેમજ અંતિમ અને ચોથા રાઉન્ડમાં વોર્ડ નંબર-19 ની મતગણતરી પૂર્ણ કરી તમામ પરિણામો ક્રમબદ્ધ રીતે જાહેર કરવામાં આવશે. ચૂંટણી નિરીક્ષક લોચન સહેરા, કલેકટર ડો. અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ તથા સબંધિત વોર્ડના ઉમેદવારો અને પ્રતીપ્રેશક અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top