અખબારી આલમ દ્વારા જે સમાચારો પ્રગટ થાય છે એ વાંચી જાણીને દુ:ખદ આશ્ચર્ય થયા વિના રહેતું નથી. વિદ્યાર્થીઓ ખાર રાખી છરા વડે અન્ય વિદ્યાર્થી પર હુમલા કરે, દાદા કહેતી 12 વર્ષની સગીરા પર દાદા સમાન વ્યકિત રેપ કરે, પ્રેમલગ્ન કરનાર પરિણીતા પર પતિ અને એના મિત્રો ગેંગરેપ કરે, બે વર્ષમાં 3146 કિલો ડ્રગ્સનો જથ્થો સુરતમાંથી જપ્ત થાય, મહિલાઓ પ્રેમ પ્રકરણમાં મારામારી કરી નોકરી ગુમાવે, લાંચ લેતાં અધિકારીઓ ઝડપાય, જૂની અદાવતમાં યુવકની હત્યા થાય. આવા કંઇ કેટલાય કિસ્સા રોજબરોજની જિંદગીમાં સાંભળવા મળે, વાંચવા મળે અને આ ફકત સુરત શહેરની વાત છે.
સમગ્ર ભારતમાં શું શું થતું હશે એ તો જાણવા ન જ મળે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પ્રભુએ અર્જુનને જણાવ્યું હતું કે જયારે ભારત મુસીબતમાં હશે ત્યારે હું જન્મ લઇશ, પ્રજાનાં દુ:ખ દૂર કરીશ તો હજુ પ્રભુએ જન્મ લેવાની રાહ જોવાની હશે? કે પ્રભુ પણ પ્રજાનાં કરતૂતો જોઇ કંટાળી ગયા હશે? કે આ પ્રજા નહીં સુધરે! જયાં સુધી ભારતની પ્રજાની માનસિકતા દાનત વિ. ન બદલાય ત્યાં સુધી પ્રભુએ ભારતમાં જન્મ લેવાનું કદાચ માંડી વાળ્યું હશે. પ્રજાને સ્વયંની વિચારધારા મનોવિકૃતિ પર સંયમ, ઇમાનદારી વિ. તો હોવા જ જોઇએ ને? સંસ્કાર ચારિત્ર્ય શુધ્ધ બનાવે છે.
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે