અમદાવાદ: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા કરાયેલા હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક વિદ્યાર્થીને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે.
આ અંગે માહિતી મુજબ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ગઈકાલે સોમવારે સવારે આશરે 11:30 વાગ્યે પેપર પૂર્ણ થયા બાદ ધોરણ-8માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્રીજો વિદ્યાર્થી મિત્રને બચાવવા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ પરિકર વડે હુમલો કરતાં તે વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાના કારણે તેને દેખાતું બંધ થઈ ગયું હોવાનું જણાવાયું છે. આ ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ તાત્કાલિક શાળાએ પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં શાળાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માતા-પિતા અને સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, અગાઉ પણ અમદાવાદની સેવન્થ- ડે શાળામાં થયેલી હિંસક ઘટનામાં વિદ્યાર્થીના મોતની ઘટના સામે આવી હતી. શહેરની શાળાઓમાં વધી રહેલી આવી હિંસક ઘટનાઓને લઈને શિક્ષણ વ્યવસ્થામાં સુરક્ષા અને શિસ્તના પ્રશ્નો વધુ પેચિદો બન્યો છે.