Gujarat

રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પારો ફરી ચઢ્યો છે અને આગામી દિવસોમાં પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ રાજ્યના અનેક શહેરોમાં ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે.રાજકોટ અને અમરેલીમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોચી ગયો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, ભૂજમાં 39 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 35 ડિગ્રી, કંડલા પોર્ટ પર 36 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલી અને રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જ્યારે સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 37 ડિગ્રી, પોરબંદરમાં 34 ડિગ્રી અને મહુવામાં 36 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ગરમીનો જોર યથાવત રહ્યો છે.

અમદાવાદ, ગાંધીનગર, ડીસા અને વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિગ્રી રહ્યું હતું. સુરતમાં 37 ડિગ્રી અને દમણમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવન ફુંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 24 અને 25 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે અસહજ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે.

Most Popular

To Top