મલિંગાની ઘાતક બોલિંગથી હૈદરાબાદની દિલ્હી પર 47 રનની જીત
IPL 2026ના મહત્વપૂર્ણ મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હીની ટીમ સામે એકતરફી જીત નોંધાવી હતી. હૈદરાબાદના ઓપનર Abhishek Sharmaના તોફાની શતક અને Eshan Malingaની ઘાતક બોલિંગના કારણે ટીમે 47 રનથી મેચ પોતાના નામે કરી લીધી.
હૈદરાબાદના Rajiv Gandhi International Cricket Stadium ખાતે રમાયેલા આ મુકાબલામાં દિલ્હીના કેપ્ટન Axar Patel એ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણય ટીમ માટે ખોટો સાબિત થયો.પ્રથમ બેટિંગ કરતાં હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટે 242 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ટીમ માટે અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતાં અણનમ 135 રનની ઇનિંગ રમી હતી, જેમાં અનેક બાઉન્ડરી અને સિક્સર સામેલ રહ્યા હતા. તેમને Travis Head (37 રન) અને Heinrich Klaasen (અણનમ 37 રન)નો સારો સાથ મળ્યો હતો.
243 રનના લક્ષ્યનો પીછો કરતાં દિલ્હી ટીમ શરૂઆતથી જ દબાણમાં રહી હતી. KL Rahul અને અન્ય બેટરો પ્રયાસ કર્યો છતાં ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 195 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. બોલિંગમાં ઇશાન મલિંગાએ ઘાતક પ્રદર્શન કરતાં 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, જેના કારણે દિલ્હીની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી. અંતિમ ઓવરોમાં હૈદરાબાદના બોલરો સતત દબાણ જાળવી રાખતા દિલ્હી મેચમાં પાછી ફરી શકી નહોતી.
આ જીત સાથે હૈદરાબાદે ટુર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી અને પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. બીજી તરફ દિલ્હીની ટીમ માટે આ હાર ઝટકો સાબિત થઈ છે. અભિષેક શર્માની મેચ જીતાડનારી ઇનિંગને કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો.