આમિરખાનની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં પ્રોફેસરનો ડાયલોગ છે કે તુમ કહના ક્યા ચાહતે હો? આ ડાયલોગ એટલો પ્રખ્યાત થઈ ગયો છે કે તેનો એક GIF પણ સોશ્યલ મીડિયા પર હાજર છે. લોકો જ્યારે પણ મૂંઝવણ અનુભવે ત્યારે આ ડાયલોગ યાદ કરે છે. લોકો હવે ચશ્માં બનાવતી કંપની લેન્સકાર્ટના માલિક પીયૂષ બંસલને ઉદ્દેશીને આ ડાયલોગ મારી રહ્યા છે, કારણ કે તેમની કંપની લેન્સકાર્ટ તેની કર્મચારી સંભાળનીતિના કેટલાક મુદ્દાઓને લઈને મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. લેન્સકાર્ટ દ્વારા તેના કર્મચારીઓ માટે જારી કરાયેલ ડ્રેસ કોડ નીતિથી વિવાદ શરૂ થયો હતો. આ ડ્રેસ કોડ નીતિ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ હતી, જેના પરિણામે લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. ભાજપ અને સંઘપરિવારની સમાજનું ધ્રુવીકરણ કરવાની નીતિને કારણે આ વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં કંપનીને ખુલાસો કરવાની ફરજ પડી છે.
આ વિવાદ લેન્સકાર્ટના ડ્રેસ કોડ પર કેન્દ્રિત હતો. તેમાં તિલક, કલાવ અથવા બિંદી કરવાની મનાઈ હતી. પરિણીત હિન્દુ મહિલાઓને સિંદૂર પણ લગાડવું હોય તો ખૂબ ઓછી માત્રામાં લગાડવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, તેમાં હિજાબ અને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી. હિજાબ અને પાઘડીના કિસ્સામાં પણ તે કાળા રંગનાં જ હોવાં જોઈએ તેવું નક્કી કરવામાં આવ્યું હતું. ઓનલાઈન શેર કરાયેલા ડ્રેસ કોડ દસ્તાવેજમાં જણાવાયું હતું કે હિજાબ છાતીના મધ્ય ભાગને ઢાંકતો હોવો જોઈએ, પરંતુ કંપનીના લોગોને અસ્પષ્ટ ન રહેવો જોઈએ.
તેમાં કલાવા સહિતના ધાર્મિક દોરાઓ પણ કાંડા પરથી દૂર કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. હિન્દુ પરંપરામાં કલાવ એ એક પવિત્ર સુતરાઉ દોરો છે, જે મંદિરમાં ગયા પછી અથવા ધાર્મિક વિધિઓ કર્યા પછી પહેરવામાં આવે છે. લેન્સકાર્ટના પુણેના ભૂતપૂર્વ ફ્લેગશિપ સ્ટોર મેનેજર હર્ષ હાટેકરે જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૨૪ માં એક ઓડિટ દરમિયાન તેમના સ્ટોરનાં કર્મચારીઓને કલાવ પહેરવા બદલ તેમના ઓડિટ પોઇન્ટ કાપવામાં આવ્યા હતા. પુણેના અન્ય એક ભૂતપૂર્વ સ્ટોર મેનેજર આકાશ ફાળકેએ દાવો કર્યો હતો કે તેમણે ફેબ્રુઆરી ૨૦૨૫ માં લેન્સકાર્ટના એચઆર વિભાગ સમક્ષ ઔપચારિક રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ડ્રેસ કોડ હેઠળ વિવિધ ધાર્મિક પ્રતીકો સાથે સમાન વર્તન કરવામાં આવતું નથી.
ફાળકેનો આરોપ છે કે તેમને ક્યારેય લેખિત જવાબ આપવામાં આવ્યો ન હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ધાર્મિક ઓળખ સંબંધિત ઓડિટમાં નિષ્ફળ જવાથી તેમનો પગાર અને પ્રોત્સાહનો કાપવામાં આવ્યાં હતાં. આકાશ ફાળકેએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે ફેબ્રુઆરી ૨૦૨૬ માં તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમણે તે જ દિવસે મહારાષ્ટ્રના સમાધાન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી અને આ કાર્યવાહીને બદલો ગણાવી હતી.
વિવાદ વધતો ગયો તેમ લેન્સકાર્ટના સ્થાપક અને સીઈઓ પીયૂષ બંસલે બે સ્પષ્ટતાઓ જારી કરી હતી. પ્રથમ, તેમણે કહ્યું કે પોલિસી દસ્તાવેજ ખોટો હતો અને કંપનીની હાલની માર્ગદર્શિકાને પ્રતિબિંબિત કરતો નથી. કલાકો પછી ૧૬ એપ્રિલના રોજ બંસલે કહ્યું કે વાયરલ દસ્તાવેજ એક જૂની તાલીમ નોંધ હતી અને તે કંપનીની HR નીતિ નહોતી. તેમાં ખોટી રીતે બિંદી અથવા તિલકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને પછીથી દૂર કરવામાં આવ્યો હતો. આ બે સ્પષ્ટતાઓના થોડા દિવસો પછી પણ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નથી.
હવે સોશ્યલ મીડિયા પર ઘણાં પત્રકારો અને કાર્યકરો દ્વારા લેન્સકાર્ટની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. લોકો લેન્સકાર્ટ અને સીઈઓ પીયૂષ બંસલ પાસે માફી માંગવાની અને ભારતીયો પાસેથી હિંદુવિરોધી હોવા બદલ લેન્સકાર્ટ ચશ્માંની બ્રાન્ડનો બહિષ્કાર કરવાની માંગણી કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર એક વ્યક્તિએ પોતાના કોલ્હાપુરી ચપ્પલથી લેન્સકાર્ટનાં ચશ્માં તોડી નાખતો વીડિયો પોસ્ટ કર્યો છે, જ્યારે બીજી એક વ્યક્તિ લેન્સકાર્ટના સ્ટોરમાં ઘૂસીને પોતાનાં ચશ્માં અંદરની કચરાપેટીમાં ફેંકતી જોવા મળી રહી છે. ભારતીય નૌકાદળના અનુભવી લેખક હરિન્દર સિક્કાએ X પર કહ્યું કે લેન્સકાર્ટનાં કાર્યો ભેદભાવપૂર્ણ છે અને તે કાયદાનો તિરસ્કાર કરે છે.
નવી દિલ્હી સ્થિત નાણાંકીય સલાહકાર રેણુકા જૈને X પર લખ્યું કે બધા હિન્દુઓ લેન્સકાર્ટનો બહિષ્કાર કરે છે. આ અહેવાલ પ્રકાશિત થયાના કલાકો પછી લેન્સકાર્ટે X પર માફી માંગી હતી. તેણે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી અને કહ્યું કે શ્રદ્ધા અને સંસ્કૃતિનાં પ્રતીકો જેમ કે બિંદી, તિલક, હિજાબ અને પાઘડી તેનાં આઉટલેટ્સમાં આવકાર્ય છે. લેન્સકાર્ટ દ્વારા આપવામાં આવેલા જવાબના કલાકો પહેલાં X પર જાણીતાં લેખક અને પત્રકાર શેફાલી વૈદ્યે દાવો કર્યો હતો કે તેમની પાસે લેન્સકાર્ટના સીઈઓ પીયુષ બંસલ જૂઠું બોલી રહ્યા હોવાના અકાટ્ય પુરાવા છે.જો કે, ઘણાં લોકો પીયુષ બંસલના સ્પષ્ટીકરણથી ખુશ નથી, જેમાં તેમણે એવો સંકેત આપ્યો હતો કે આ મુદ્દો જૂનો દસ્તાવેજ હોઈ શકે છે.
રોષે ભરાયેલાં લોકોએ એમ પણ કહ્યું કે પીયુષ બંસલનાં સ્પષ્ટીકરણમાં ડ્રેસ કોડના જમીન પર અમલીકરણના આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને આ નીતિ લેન્સકાર્ટ ખાતે કર્મચારીઓના મૂલ્યાંકનને પ્રભાવિત કરી રહી છે કે કેમ તે અંગે શંકા ઊભી કરે છે. શેફાલી વૈદ્યે દાવો કર્યો હતો કે લેન્સકાર્ટના ઘણાં કર્મચારીઓએ મને ખાનગીમાં તેમની ભયાનક વાર્તાઓ જણાવી છે કે કેવી રીતે બિંદી તથા કલાવા પહેરવા બદલ વીડિયો ઓડિટમાં તેમના મુદ્દાઓની ગંભીર નોંધ લેવામાં આવી હતી, કેવી રીતે તેમને હિન્દુ તહેવારો માટેની રજાઓ નકારવામાં આવી હતી, પરંતુ તેમનાં મુસ્લિમ સાથીદારોને ઈદ માટે ખૂબ જ સરળતાથી રજા મળી ગઈ હતી.
શૈક્ષણિક લેખક આનંદ રંગનાથને પુરાવાના ફોરેન્સિક ઓડિટની માંગણી કરતાં કહ્યું કે લેન્સકાર્ટનું વલણ નાગરિકો સાથે રંગભેદના વર્તન જેવું જ ચિંતાજનક હતું, જેને અવગણી શકાય નહીં. મુંબઈ સ્થિત નાણાંકીય સલાહકાર મિતેશ શાહે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં એક કંપનીમાં કામ કરતી વખતે આપણાં ઘણાં હિન્દુ ભાઈ-બહેનોને આવી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું તે જાણીને નિરાશા થાય છે. અન્ય લોકોએ ખુલ્લેઆમ લેન્સકાર્ટનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. X પર એક વ્યક્તિએ કહ્યું કે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે લેન્સકાર્ટ કંપની અને તેનાં ઉત્પાદનોનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ. આપણે બધાંએ લેન્સકાર્ટમાંથી ખરીદી કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ.
ડ્રેસ કોડ વિવાદને કારણે હેડલાઇન્સમાં રહેલી કંપની લેન્સકાર્ટના શેર આજે ટ્રેડિંગ દરમિયાન ચાર ટકાથી વધુ ઘટ્યા હતા. શેરબજારમાં તેજી હોવા છતાં ચશ્માંના રિટેલરના શેર ઘટ્યા હતા. કંપનીનો શેર પાછલા સત્રમાં રૂ. ૫૩૪.૮૫ પર બંધ થયો હતો અને આજે રૂ. ૫૩૦.૦૫ પર ખૂલ્યો હતો. તે લગભગ ૫ ટકા ઘટીને રૂ. ૫૦૮.૭૦ પર પહોંચી ગયો હતો. તે ૧૫ એપ્રિલે રૂ. ૫૫૯.૮૦ ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારથી તે ૭ ટકાથી વધુ ઘટ્યો છે. પરિણામે કંપનીનું માર્કેટ કેપ રૂ. ૯૦,૦૦૦ કરોડથી નીચે આવી ગયું છે.
પીયૂષ બંસલે શરૂઆતમાં વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તે કામ ન આવ્યું ત્યારે તેમણે આગળ આવીને સ્પષ્ટતા કરવી પડી કે ભૂલ થઈ ગઈ છે. તેમણે શરૂઆતમાં દસ્તાવેજને ખોટો ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પછીથી સ્વીકાર્યું કે તે વાક્ય ખરેખર લખાયેલું હતું. હકીકતમાં, પીયુષ બંસલે ડ્રેસ કોડ વિવાદ પર લખેલી બે પોસ્ટમાં અસંખ્ય વિરોધાભાસ છે. આ વિવાદથી સાબિત થાય છે કે હિન્દુઓ હવે કોઈ પણ જાતનો ભેદભાવ સાંખી લેવા તૈયાર નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.