National

તામિલનાડુ ચૂંટણી સોગંદનામા વિવાદ, વિજય પાસે આવકવેરા વિભાગે માંગ્યો જવાબ

તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.

ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.

Most Popular

To Top