Sports

‘નો-લુક’ સ્ટમ્પિંગથી જુરેલ છવાયા, જુરેલની સ્ટમ્પિંગે ધોનીની યાદ તાજી કરી, ફેન્સે પણ કર્યા વખાણ

IPL 2026માં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલા કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેના મુકાબલામાં એક શાનદાર ક્ષણે સૌનું ધ્યાન ખેંચ્યું હતુ. રાજસ્થાનના વિકેટકીપર ધ્રુવ જુરેલે એવી વીજળી જેવી ઝડપથી સ્ટમ્પિંગ કરી કે મેદાનમાં હાજર ખેલાડીઓ સાથે દર્શકો પણ ચોંકી ગયા. ખાસ કરીને KKRના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પણ આ ઘટનાથી આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ક્ષણ KKRની ઇનિંગ્સ દરમિયાન પાંચમી ઓવરમાં બની હતી. રાજસ્થાન તરફથી રવિ બિશ્નોઇ બોલિંગ કરી રહ્યા હતા. તેમની ગૂગલી બોલ પર ગ્રીન આગળ વધીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બોલને ચૂકી ગયા અને ક્રિઝથી થોડા બહાર રહી ગયા. આ જ પળમાં ધ્રુવ જુરેલે પોતાની ચપળતા બતાવી. જુરેલે સંતુલન ગુમાવ્યા છતાં અદ્ભુત રિફ્લેક્સ બતાવ્યો. તેમણે એક હાથથી બોલ કલેક્શન કરીને પળવારમાં સ્ટમ્પ તોડી નાખ્યા. આ બધું એટલી ઝડપથી થયું કે ગ્રીનને પરત ક્રિઝમાં પહોંચવાની કોઈ તક મળી નહોતી. ગ્રીન માત્ર 13 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.

જુરેલની આ સ્ટમ્પિંગની ખાસ વાત એ હતી કે તે લગભગ નો-લુક સ્ટાઈલમાં કરવામાં આવી હતી. ઘણા ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોએ તેની તુલના મહેન્દ્ર સિંહ ધોનીની પ્રખ્યાત સ્ટમ્પિંગ સાથે કરી. સોશિયલ મીડિયા પર ફેન્સે આ ક્ષણને IPL 2026ની શ્રેષ્ઠ સ્ટમ્પિંગમાંની એક ગણાવી છે. આ વિકેટે મેચની દિશા પણ બદલી નાખી. ગ્રીનની વિકેટ પડતા KKR પર દબાણ વધી ગયું અને ટોપ ઓર્ડર ઝડપથી તૂટી પડ્યો. રાજસ્થાન રોયલ્સને આથી મોમેન્ટમ મળ્યું અને મેચમાં મજબૂત સ્થિતિ બનાવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ જુરેલની ફુર્તી અને સ્કિલ્સની વખાણ કરી રહ્યા છે. કેટલાકે તો તેમને ધોની પછીનો શ્રેષ્ઠ વિકેટકીપર પણ ગણાવ્યો છે. ધ્રુવ જુરેલની આ સ્ટમ્પિંગ માત્ર એક વિકેટ નહોતી, પરંતુ તેમની કીપિંગ કળાનું શાનદાર ઉદાહરણ બની રહી છે, જે IPL 2026ની યાદગાર ક્ષણોમાં સામેલ થશે.

Most Popular

To Top