એસીનું કામ પૂર્ણ કરી પરત ફરતા યુવકો સાથે બની દુર્ઘટના, પોલીસ તપાસ તેજ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 13
વડોદરા નજીક અંકોડીયા નર્મદા કેનાલ વિસ્તારમાં બે મિત્રો કેનાલમાં ડૂબી જવાની દુર્ઘટનાએ ચકચાર મચાવી છે. ઘટનાસ્થળે કેનાલ કિનારે એક્ટિવા અને બે મોબાઈલ ફોન મળી આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.

માહિતી મુજબ, બંને મિત્રો એસીનું કામ પૂર્ણ કરીને રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કેનાલમાં પડી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

ફાયર બ્રિગેડની ટીમે રાત્રે મોડા સુધી ચાલેલી શોધખોળ દરમિયાન એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે બીજા યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે. ઘટનાસ્થળેથી મળી આવેલા એક્ટિવા અને બે મોબાઈલ ફોનના આધારે પોલીસ વધુ તપાસ આગળ ધપાવી રહી છે.

પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમ દ્વારા ઘટનાનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ બંને યુવકોની ઓળખ તથા દુર્ઘટનાની પરિસ્થિતિ અંગે વધુ વિગતો મેળવવાની કામગીરી ચાલુ છે.