સુરતના સરથાણા બ્રિજ પર આજે એક કાર એસટી બસના પાછળના ભાગ સાથે અથડાઈ જતાં આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ પુલ પર થોડા સમય માટે વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી અને ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ઘટનાના સમાચાર મળતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓ પણ પરિસ્થિતિને કાબુમાં લેવા અને મદદ કરવા માટે પહોંચ્યા હતા. રાહતની વાત છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે, બંને વાહનોને ભારે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલમાં અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ, શહેરમાં ટ્રાફિક નિયમો અને સાવચેતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. વ્યસ્ત રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વધારાની સાવધાની રાખવી પણ મહત્વપૂર્ણ છે.
સુરતમાં વધતા અકસ્માત, બેફામ દોડતી કારો અને બાઇકો, ટ્રાફિક નિયમોની અવગણના, ટ્રિપલ કે તેથી વધુ સવારો સાથે બાઇક રાઇડિંગ અને સરકારી તેમ જ ખાનગી બસોની બેફામ ડ્રાઇવિંગ આ બધા કારણો આ અકસ્માતો માટે જવાબદાર છે. નવાઇની વાત તો એ છે કે ટ્રાફિક પોલીસ અને અન્યો શું આ પરિસ્થિતિ અંગે અજાણ છે? કે પછી આંખ આડા કાન કરે છે. વાહનો સુવિધા આજે ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ બન્યા છે. જયારે તમે બેફામ બાઇક કે કાર હંકારો છો ત્યારે તમારી જાનની બાજી તો લગાડો છો જ પણ સામે રહેલા નિર્દોષ પણ વગર કારણે આ અકસ્માતનો ભોગ બની જાય છે, કોઈ એકની બેદરકારી અને ભૂલને લીધે, જે ખરેખર નિંદનીય છે. અને એકની ભૂલની સજા વગર કારણે અન્યોએ પણ ભોગવવી પડે છે. આજનો તાજો દાખલો જ જોઈ લો.