સોશિયલ મીડિયા પર અપમાનજનક વર્તનથી યુવતી માનસિક તણાવમાં
જવાહરનગર પોલીસે આરોપી મહેશ પરમાર સામે કાર્યવાહી શરૂ કરી
વડોદરા, તા. 8
વડોદરા શહેરના બાજવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીના સોશિયલ મીડિયા પર મૂકેલા પરિવાર સાથેના ફોટા પર અશ્લીલ ટિપ્પણીઓ કરી “₹1000 થી ₹5000” સુધીની “કિંમત” લખી અપમાનજનક વર્તન કરનાર શખ્સ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના મોબાઇલમાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરે છે. થોડા દિવસ અગાઉ “mahesh_sam_event_baroda” નામના એકાઉન્ટ પરથી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી, જેને યુવતીએ અવગણેલી હતી.
ત્યારે 6 એપ્રિલના રોજ યુવતીએ પરિવારજનો સાથેના ફોટાઓની સ્ટોરી પોતાના એકાઉન્ટ પર મૂકી હતી. આ સ્ટોરી જોયા બાદ આરોપીએ ફોટાઓ પર ₹1000 થી ₹5000 સુધીની રકમ લખીને અશ્લીલ અને અપમાનજનક મેસેજ તથા કોમેન્ટ્સ કર્યા હતા. યુવતીએ આ બાબતે પૂછપરછ કરતા પણ આરોપીએ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો અને બદલે વધુ અભદ્ર કોમેન્ટ્સ કરવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઘટનાથી યુવતી માનસિક તણાવમાં આવી જતા તેણે સમગ્ર બાબત પરિવારજનોને જણાવી હતી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ બાજવા વિસ્તારમાં રહેતા મહેશ ભરત પરમાર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. યુવતીની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.