CBSE બોર્ડમાં નવો ટ્રેન્ડ? પહેલા Rickroll, હવે ‘ઓરી’ એન્ટ્રી
CBSE ક્લાસ 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન એક અજબ અને રસપ્રદ ઘટના સામે આવી છે, જે હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ બની ગઈ છે. હિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં આપેલ QR કોડ સ્કેન કરતા વિદ્યાર્થીઓ સીધા ઈન્ટરનેટ સેન્સેશન Orhan Awatramani એટલે કે ‘ઓરી’ના પેજ પર પહોંચી ગયા હતા.
માહિતી મુજબ, 30 માર્ચ 2026ના રોજ યોજાયેલી હિસ્ટ્રી બોર્ડ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ આ અનોખો અનુભવ કર્યો હતો. સામાન્ય રીતે QR કોડનો ઉપયોગ પ્રશ્નપત્રની અસલિયત ચકાસવા માટે કરવામાં આવે છે, પરંતુ આ વખતે તે એકદમ અલગ જ દિશામાં લઈ ગયો. જ્યારે વિદ્યાર્થીઓએ QR કોડ સ્કેન કર્યો, ત્યારે તે સીધો ઓરીના ગૂગલ સર્ચ અથવા ઈમેજ પેજ પર લઈ ગયો. આ ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા, અને લોકો વચ્ચે હાસ્ય અને આશ્ચર્યનું વાતાવરણ સર્જાયું.
આ ઘટના પહેલાં પણ CBSE પરીક્ષામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગણિતના પેપરના QR કોડે વિદ્યાર્થીઓને “Rickroll” કરી દીધા હતા, એટલે કે એક જૂના ગીતના વીડિયો પર લઈ ગયો હતો. આ બંને ઘટનાઓને કારણે બોર્ડ પરીક્ષાઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
આ મામલે ઓરીએ પોતે પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે મજાકિય અંદાજમાં કહ્યું કે CBSEના પ્રશ્નપત્રમાં આવવું તેમના માટે ‘સપનાનું ક્ષણ’ છે. તેમની આ પ્રતિક્રિયા પણ ભારે વાયરલ થઈ રહી છે. વિદ્યાર્થીઓએ આ ઘટનાને પરીક્ષાના તણાવ વચ્ચે મળેલી ‘ફન મોમેન્ટ’ તરીકે લીધી છે. ઘણા વિદ્યાર્થીઓએ મીમ્સ અને પોસ્ટ્સ બનાવીને આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
હાલમાં CBSE તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ અગાઉના કિસ્સામાં બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે QR કોડ માત્ર સિક્યુરિટી માટે હોય છે અને પરીક્ષાની અસલિયત પર કોઈ અસર થતી નથી. આ રીતે, એક સામાન્ય બોર્ડ પરીક્ષા ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા વચ્ચેના અનોખા મિલનને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે.