પંજાબ નેશનલ બેંક (PNB) સાથે થયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપી ભાગેડુ હીરા વેપારી Nirav Modiને લંડન હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. અદાલતે તેની અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે ભારત પ્રત્યાર્પણ સંબંધિત કેસને ફરીથી ખોલવાની માંગ કરી હતી. આ નિર્ણય બાદ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ, નીરવ મોદીએ લંડન હાઈકોર્ટના કિંગ્સ બેન્ચ ડિવિઝનમાં અરજી કરી હતી. તેમની દલીલ શસ્ત્ર વેપારી સંજય ભંડારીના કેસમાં આવેલા ચુકાદા પર આધારિત હતી. પરંતુ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ટીમના વકીલોએ મજબૂત દલીલો રજૂ કરી, જેના આધારે કોર્ટે કહ્યું કે આ કેસમાં રજૂ કરાયેલા સંજોગો એટલા અસાધારણ નથી કે ફરીથી સુનાવણી જરૂરી છે.
CBI 2018થી નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. 2019માં તેની ધરપકડ થયા બાદ યુકેની અદાલતોએ પહેલેથી જ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી અને ત્યારથી તેની ઘણી અપીલો ફગાવવામાં આવી છે. કોર્ટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા અને માનવાધિકાર સંબંધિત ખાતરીઓને પણ સ્વીકારી છે. નિરવ મોદી પર તેના મામા Mehul Choksi સાથે મળીને અંદાજે 13,000 કરોડના PNB કૌભાંડનું કાવતરું ઘડવાનો આરોપ છે, જેમાં વ્યક્તિગત રીતે તેના પર 6,498.20 કરોડની ઉચાપતનો આરોપ છે. આ નિર્ણયને ભારત સરકાર અને તપાસ એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. હવે કાનૂની અવરોધો લગભગ દૂર થઈ ગયા હોવાથી, નીરવ મોદીના પ્રત્યાર્પણની પ્રક્રિયા કોઈપણ સમયે શરૂ થઈ શકે છે.