Vadodara

ઈંધણ માટે હાડમારીની જરૂર નથી: વડોદરામાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય​

નાયરાના પંપો પર ટેન્કરોની આવક શરૂ થતા રાહત; સરકારી કંપનીઓના પંપો પર સ્ટોકની કોઈ જ તંગી નથી

વડોદરા: છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી ફેલાયેલી અફવાઓને પગલે નાગરિકોમાં ભારે ફાળ પડી હતી. જોકે, વડોદરા જિલ્લા પુરવઠા વિભાગે આ બાબતે ગંભીરતા દાખવીને સ્પષ્ટતા કરી છે કે શહેરમાં ઈંધણનો કોઈ જ તોટો નથી. IOCL, BPCL અને HP જેવી સરકારી કંપનીઓના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં ‘નાયરા’ જેવી ખાનગી કંપનીઓના પંપો પર ઈંધણ ખૂટી પડ્યાની વાતો વહેતી થઈ હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ટેન્કરો રસ્તામાં હોવાને કારણે અથવા ગાડીઓ સમયસર ન પહોંચવાને કારણે પુરવઠામાં સાધારણ વિલંબ થયો હતો. પુરવઠા અધિકારીએ જાતે મુલાકાત લઈને ખાતરી કરી છે કે આ માત્ર પરિવહનને કારણે સર્જાયેલી ક્ષણિક સમસ્યા હતી, અછત નહીં.
અછતની અફવાઓનો લાભ લઈને કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો બોટલ કે કેરબામાં પેટ્રોલનું વેચાણ કરતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. પુરવઠા વિભાગે કડક કાર્યવાહીના ભાગરૂપે આવા બે ડીલરોને પકડી પાડ્યા છે અને તેમને કારણદર્શક નોટિસ ફટકારી છે. સુરક્ષાના કારણોસર છૂટક ઈંધણ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી છે.
પુરવઠા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સંગ્રહખોરીને કારણે ખોટી અછત ઊભી થઈ શકે છે, માટે નાગરિકોએ માત્ર તેમની રોજિંદી જરૂરિયાત મુજબ જ ઈંધણ પુરાવવું જોઈએ. સોશિયલ મીડિયા પર વહેતી અચોક્કસ માહિતી કે અફવાઓથી દૂર રહેવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

પુરવઠા અધિકારીની સીધી વાત: “ગભરાશો નહીં, જથ્થો પૂરતો છે”
​વડોદરાના પુરવઠા અધિકારીએ નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, “મેં પોતે વિવિધ પેટ્રોલ પંપોની રૂબરૂ મુલાકાત લીધી છે. નાયરાના પંપો પર ટેન્કરો લેટ હોવાને કારણે થોડી અસર થઈ હતી, પણ અત્યારે પંપ ચાલુ છે. સરકારી કંપનીઓના પંપો પર સ્ટોકનો કોઈ જ પ્રશ્ન નથી. મારી જાહેર જનતાને વિનંતી છે કે કોઈએ પણ પેનિક માં આવીને જરૂરિયાત કરતા વધુ પેટ્રોલ-ડીઝલ પુરાવવા દોડવું નહીં કે સંગ્રહ કરવો નહીં. શહેરમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.”

Most Popular

To Top