ભારતમાં મોબાઇલ રિચાર્જ પ્લાનને લઈને ચાલતી ચર્ચા હવે નીતિ સ્તરે પહોંચી છે, જ્યાં કેન્દ્ર સરકાર 30 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાનને વધુ પ્રાથમિકતા આપવા તરફ આગળ વધી રહી છે. 28 દિવસના પ્લાનને કારણે વપરાશકર્તાઓને વારંવાર રિચાર્જ કરવાની જરૂર પડતી હોવાના મુદ્દે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવી રહ્યું છે. રાજ્યસભામાં Raghav Chadha દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલના પ્લાનમાં જો વપરાશકર્તા પોતાના દૈનિક ડેટાનો સંપૂર્ણ ઉપયોગ ન કરે તો બાકીનો ડેટા દિવસના અંતે સમાપ્ત થઈ જાય છે, જે ગ્રાહકો માટે નુકસાનકારક છે. તેમના મતે, બાકીના ડેટાને રોલઓવર કરવાની સુવિધા આપવી જોઈએ જેથી વપરાશકર્તા તેને આગળના દિવસે અથવા આગામી સાયકલમાં ઉપયોગ કરી શકે.
તેમણે 28 દિવસના પ્લાનને બંધ કરવાની માંગણી પણ કરી હતી, કારણ કે આ મોડલના કારણે ગ્રાહકોને વર્ષ દરમિયાન વધુ વખત રિચાર્જ કરવું પડે છે અને ખર્ચમાં વધારો થાય છે. સાથે જ, રિચાર્જ સમાપ્ત થયા એક જ દિવસમાં આઉટગોઇંગ સાથે ઇનકમિંગ પણ બંંધ થઈ જાય છે, જે ખરેખર ખોટું છે. આના બદલે રિચાર્જ સમાપ્ત થયા પછી ઓછામાં ઓછા એક વર્ષ સુધી SMS અને ઇનકમિંગ કોલ જેવી મૂળભૂત સેવાઓ ચાલુ રાખવા અને લાંબા ગ્રેસ પીરિયડ આપવાની પણ ભલામણ કરી હતી. આ મુદ્દે કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી Jyotiraditya Scindiaએ ટેલિકોમ કંપનીઓને 30 દિવસના પ્લાનને વધુ પ્રાથમિકતા આપવા સૂચન કર્યું છે. Telecom Regulatory Authority of India (TRAI) પહેલેથી જ કંપનીઓને 30 દિવસની વેલિડિટી વિકલ્પ ઓફર કરવા માટે નિયમ બનાવી ચૂક્યું છે, જોકે કિંમતો અને અન્ય શરતો નક્કી કરવાની છૂટ કંપનીઓને આપવામાં આવી છે. જો સરકારની આ પહેલ અમલમાં આવે છે, તો આવનારા સમયમાં ગ્રાહકોને વધુ પારદર્શક અને સરળ રિચાર્જ પ્લાન મળી શકે છે. 30 દિવસની વેલિડિટીથી વપરાશકર્તાઓ દર મહિને એક જ તારીખે રિચાર્જ કરી શકશે, જેનાથી વારંવાર રિચાર્જ કરવાની મુશ્કેલીમાં રાહત મળશે.