NH-56 પર રોડ પહોળો કરવા ₹10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ, હાલનો બ્રિજ બંધ થશે
ફોર લેન પ્રોજેક્ટથી મુસાફરીનો સમય ઘટશે, ટ્રાફિક સમસ્યાનો આવશે અંત
નસવાડી: નસવાડી-બોડેલી માર્ગ પર કુંડિયા ગામ નજીક હેરણ નદી પર નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા બે નવા બ્રિજોના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે શરૂ થયેલા આ પ્રોજેક્ટ પર ₹10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં ઉપયોગમાં લેવાતો બ્રિજ નવા બે બ્રિજ તૈયાર થયા બાદ બંધ કરી દેવામાં આવશે. આ કામ નસવાડી તાલુકાના ધામસિયા થી જબુગામ સુધીના આશરે ₹900 કરોડના ફોર લેન હાઈવે પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ છે.
લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા વાહનચાલકો માટે આ બ્રિજ રાહતરૂપ સાબિત થશે. હેરણ નદી પર 50 વર્ષ બાદ નવા બ્રિજનું નિર્માણ શરૂ થતાં વિસ્તારમાં વિકાસને વેગ મળશે. આ માર્ગ પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે, જેમાં રેતી ભરેલા ટ્રક સહિતના ભારે વાહનોનો સમાવેશ થાય છે.
નવા બ્રિજ તૈયાર થતાં નસવાડીથી બોડેલી વચ્ચેનું અંતર 40-45 મિનિટમાંથી ઘટીને અંદાજે 20-25 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. આથી સમય અને ઇંધણ બંનેની બચત થશે. આ પ્રોજેક્ટ વિસ્તારના પરિવહન અને આર્થિક પ્રવાહ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
રિપોર્ટર: સર્વેઝ મેમણ