Gujarat

રાજ્યના હવામાનમાં ભારે વિસંગતતા રાજકોટમાં ગરમી, મહુવામાં ઠંડી

અમદાવાદ: ગુજરાતમાં હાલ હવામાનમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. એક તરફ રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, જ્યારે બીજી તરફ મહુવામાં વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમા નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ મહુવામાં નોંધાયું હતું.

રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો માહોલ રહ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર અને ભૂજમાં 37 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. સુરેનદ્રનગરમાં 38 ડિગ્રી, જ્યારે અમરેલીમાં પણ 37 ડિગ્રી નોંધાયું હતું. વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં 36 ડિગ્રી, સુરતમાં 33 ડિગ્રી અને પોરંબદરમાં તેમજ દમણમાં 31 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ ફરીથી 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાન પર ઉપલા હવાના ચક્રવાતી પરિસ્થિતિ અને પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) સક્રિય બનતા રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે.

રાજ્યમાં બે દિવસનું માવઠા માટેનું યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે 19 અને 20 માર્ચ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કર્યો છે.19 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.20 માર્ચે રાજ્યભરમાં વધુ વિસ્તારોમાં અસર જોવા મળશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમી વચ્ચે અચાનક પવન અને વરસાદના માવઠાથી ખેડૂતો તેમજ સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વીજળી અને તેજ પવનને લઈને સતર્ક રહેવું જરૂરી છે.

Most Popular

To Top