પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળવાની ₹19,890 મજૂરીથી લાભાર્થીઓ વંચિત હોવાનો આક્ષેપ
વર્ષો વીતી ગયા છતાં મજૂરી ન મળતા ગરીબ લાભાર્થીઓમાં રોષ
દાહોદ, તા.15
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વણઝારિયા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ માટેની રકમ મળી હોવા છતાં મનરેગા યોજના અંતર્ગત મળવાની મજૂરી હજુ સુધી ન મળ્યાનો આક્ષેપ સામે આવ્યો છે.
માહિતી મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ઘર બાંધકામ માટે સરકાર તરફથી નાણાંકીય સહાય આપવામાં આવી હતી. પરંતુ મનરેગા યોજના હેઠળ મળવાની આશરે ₹19,890ની મજૂરી ઘણા લાભાર્થીઓને હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.
લાભાર્થીઓનો આક્ષેપ છે કે વર્ષો વીતી ગયા હોવા છતાં મજૂરીના રૂપિયા મળ્યા નથી. આ રકમ સરકાર તરફથી જ આપવામાં આવી નથી કે કોઈ અન્ય વ્યક્તિએ ઉપાડી લીધી છે તે અંગે પણ લાભાર્થીઓ અજાણ હોવાનું જણાવે છે.
લાભાર્થીઓ જણાવે છે કે આવાસ માટેની ₹1,20,000ની સહાય તેમને મળી હતી અને તે મુજબ તેમણે ઘરનું બાંધકામ પૂર્ણ કર્યું છે. પરંતુ મનરેગા હેઠળ મળવાની મજૂરી હજુ સુધી આપવામાં આવી નથી.
આ બાબતે લાભાર્થીના પતિ ફતેસિંહભાઈ વણઝારિયાએ જણાવ્યું હતું કે, “અમને આવાસના રૂપિયા તો મળ્યા, પરંતુ મજૂરી મળી નથી. તલાટી સાથે રહેતા ફુલસિંગભાઈને પૂછતાં તેમણે કહ્યું કે તમારો સમય નીકળી ગયો હોવાથી હવે મજૂરી મળશે નહીં.”
તે જ રીતે આવાસ યોજનાની અન્ય લાભાર્થી સુમિત્રાબેન વિનોદભાઈએ જણાવ્યું હતું કે, “આવાસ માટેના નાણાં મળ્યા, પરંતુ બાંધકામની મજૂરી મળી નથી. ગામના ચૌહાણ ફળિયામાં રહેતા રામુભાઈએ અમારા પરિવારના તમામ દસ્તાવેજો લઈને મજૂરી અપાવીશ એવું કહ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ મજૂરી મળી નથી.”
આ મામલે લાભાર્થીઓ દ્વારા યોગ્ય તપાસ કરી તેમને મળવાપાત્ર મજૂરી ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર:વિનોદ પંચાલ