World

હત્યાની અફવાઓ વચ્ચે ઇરાનની મોટી ધમકી:‘નેતન્યાહુ જીવિત હશે તો શોધીને મારી નાખીશું’

Benjamin Netanyahuની હત્યાની અફવાઓ વચ્ચે Islamic Revolutionary Guard Corps (IRGC)એ કડક નિવેદન આપતાં કહ્યું છે કે તેઓ ઇઝરાયલના વડાપ્રધાનને “પીછો કરીને મારી નાખશે”. આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રવિવારે IRGCએ પોતાની અધિકૃત વેબસાઇટ Sepah News પર જાહેર કરેલા નિવેદનમાં નેતન્યાહુને “બાળકોની હત્યા કરનાર અપરાધી” ગણાવ્યો હતો. ગાર્ડ્સે કહ્યું કે જો નેતન્યાહુ જીવિત છે તો તેઓ “પૂર્ણ શક્તિ સાથે તેને શોધીને મારી નાખવાનો પ્રયાસ ચાલુ રાખશે.”

આ ધમકી એવા સમયે આવી છે જ્યારે થોડા કલાકો પહેલા જ નેતન્યાહુની હત્યા થયાની અફવાઓ સોશિયલ મીડિયા અને કેટલાક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ હતી. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ ગુપ્ત હુમલામાં ઇઝરાયલી વડાપ્રધાનને નિશાન બનાવવામાં આવ્યા છે.જોકે, ઇઝરાયલી સરકાર તરફથી તરત જ આ અહેવાલોને ખોટા ગણાવવામાં આવ્યા હતા. નેતન્યાહુના કાર્યાલયે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેમના વિરુદ્ધના તમામ દાવા અફવા છે. અધિકારીઓએ લોકોને અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા પણ અપીલ કરી છે.

તાજેતરના અઠવાડિયામાં મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સીધી અને પરોક્ષ અથડામણો, મિસાઇલ હુમલા અને સૈન્ય કાર્યવાહી અંગેના અહેવાલો સામે આવી રહ્યા છે. ગાઝા અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે IRGCનું આ નિવેદન માત્ર ધમકી નહીં પરંતુ એક કડક રાજકીય સંદેશ પણ છે. ઇરાન લાંબા સમયથી ઇઝરાયલની નીતિઓ અને તેની સૈન્ય કાર્યવાહીનો ખુલ્લો વિરોધ કરતું આવ્યું છે. હાલ માટે નેતન્યાહુ સુરક્ષિત હોવાનું ઇઝરાયલી સરકાર કહી રહી છે, પરંતુ આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top