રૂ. 135 કરોડથી વધુનું સેટલમેન્ટ

(પ્રતિનિધિ), વડોદરા. તા.14
વડોદરા : નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટી (NALSA) અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ, વડોદરા જિલ્લામાં વર્ષની પ્રથમ મેગા નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન વિ. કે. પાઠક સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ અદાલતમાં વર્ષોથી લંબાયેલા કેસોમાં પક્ષકારોને ત્વરિત ન્યાય અને વળતર પ્રાપ્ત થયું છે. લોક અદાલત દરમિયાન વળતરના બે મુખ્ય કિસ્સાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલમાં પેન્ડીંગ એક કેસમાં પક્ષકારો વચ્ચે રૂ. 1,35,00,000/- માં સમાધાન થયું હતું, જેનું વળતર ‘ગો ડિજીટ ઈન્સ્યોરંન્સ’ દ્વારા ચૂકવવામાં આવ્યું છે. કરજણના ૩જી અધીક જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં એક કેસમાં રૂ. 1,05,00,000/- માં સુખદ સમાધાન આવ્યું હતું. જેમાં ‘ચોલામંડલમ ઈન્સ્યોરન્સ’ દ્વારા વળતરની રકમ ચુકવવામાં આવી હતી. તા. 14/03/2026 ના રોજ યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 78,617 કેસો સુનાવણી માટે મૂકવામાં આવ્યા હતા. જેમાંથી,
- પેન્ડિંગ કેસો :- મોટર અકસ્માતના 104 અને એન.આઈ. એક્ટ (ચેક રિટર્ન) ના 3201 કેસો સહિત કુલ 4,166 કેસો સમાધાનથી પૂર્ણ થયા હતા.
- સ્પેશિયલ સીટિંગ :- સ્પેશિયલ સીટિંગ દ્વારા કુલ 73,491 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, વડોદરા જિલ્લાના કુલ 77,657 પેન્ડિંગ કેસો પૂરા થયા હતા.
- પ્રિ-લિટીગેશન કેસો :- કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાના (બેંક લેણાં, ગેસ બિલ, ટ્રાફિક ચલણ વગેરે) કુલ 61,657 કેસોમાં પક્ષકારો સંમતિ પર આવ્યા હતા.
- કુલ સેટલમેન્ટ :- આ સમગ્ર લોક અદાલત દરમિયાન કુલ રૂ. 1,35,08,87,375/- (એક અબજ પાંત્રીસ કરોડ આઠ લાખથી વધુ) ની માતબર રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, વડોદરાના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, લોક અદાલતના માધ્યમથી પક્ષકારોના સમય અને નાણાંની બચત થાય છે અને પરસ્પર મનદુઃખ દૂર કરી ન્યાય મેળવવાનો આ શ્રેષ્ઠ માર્ગ સાબિત થયો છે.