Vadodara

વડોદરા: એટીએમમાં મદદના બહાને માણેજાના વૃદ્ધા સાથે ઠગાઈ, કાર્ડ બદલી રૂ. 40 હજાર ઉપાડી લીધા

મદદ કરવાના બહાને ગઠીયા એ વૃદ્ધા નું એટીએમ કાર્ડ બદલી નાખ્યા બાદ ખેલ પાડ્યો

મોબાઈલ પર રૂપિયા ઉપાડ્યા હોવાનો મેસેજ આવતા પોતાની સાથે ઠગાઈની જાણ થઈ

વડોદરા તા.14

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક વૃદ્ધા સાથે એટીએમમાં મદદના બહાને ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાએ વાતોમાં ફસાવી એટીએમ કાર્ડ બદલી નાખ્યા બાદ તેમના ખાતામાંથી ટુકડે ટુકડે રૂ. 40 હજાર ઉપાડી લીધા હતા. જેથી વૃદ્ધે ઠગ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ઓમકાર હાઈટ્સમાં રહેતી 73 વર્ષીય શોભાબેન પ્રકાશભાઈ ટાપરે નિવૃત જીવન ગુજારે છે. તેમણે તેમનું એસબીઆઈ બેન્કમાં ખાતું છે જેમાં પેન્શન અને બચતના પૈસા જમા થાય છે.
ગઈ તા.18 ડિસેમ્બર 2025ના રોજ સાંજે અંદાજે 6 વાગ્યે તેઓ માણેજા કોસીંગ ચાર રસ્તા પાસે આવેલ આત્મીય કોમ્પ્લેક્ષમાં આવેલા એચડીએફસી બેન્કના એટીએમ પર પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે સમયે એટીએમની બહાર ઉભેલા અજાણ્યા શખ્સે તેમને જણાવ્યું હતું કે આ મશીનમાંથી પણ એસબીઆઈનું કાર્ડ ચાલશે અને તે તેમની સાથે અંદર આવ્યો હતો.
વૃદ્ધાએ મશીનમાં કાર્ડ નાખી રૂ. 2000 ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પૈસા બહાર આવ્યા નહોતા. ત્યારબાદ અજાણ્યા શખ્સે મદદ કરવાની વાત કરી તેમને વાતોમાં રોકી રાખ્યા અને તેમની પાસેનું એટીએમ કાર્ડ બદલી દીધું હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધા એટીએમમાંથી બહાર નીકળી ગયા બાદ તેમના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. બેન્ક તરફથી પણ ફોન આવતા તેમણે જાણ કરી કે તેમણે પૈસા ઉપાડ્યા નથી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ગઠિયાએ તેમનું કાર્ડ બદલી પિન નંબર જાણીને તેમના ખાતામાંથી રૂ. 40 હજાર ઉપાડી લીધા છે.
આ બનાવ અંગે વૃદ્ધાએ અજાણ્યા ઈસમ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top