પ્રમોટરોનો દાવો : કેટલાક મકાનોની ઉઘરાણીનો સંપૂર્ણ હિસાબ આપ્યો નહીં, રોકાણકારોને ક્લેમ મોકલવા
પ્રમોટર દ્વારા એજન્ટ સામે તાજેતરમાં ઠગાઈની ફરિયાદ પણ નોંધાવાઈ

પ્રતિનિધિ, વડોદરા | તા. 14
વડોદરાની હેરિટેજ આર્કોન રહેણાંક યોજના મામલે માર્કેટિંગ એજન્ટ દ્વારા હિસાબમાં હેરફેર કર્યાનો આક્ષેપ કરતા પ્રમોટરો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી રોકાણકારોને આગળ આવી માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. પ્રમોટરો રાહુલ મિલનકુમાર શાહ, રોશન નારાયણરાવ તળેકર અને રિતેશ પરીખે જણાવ્યું હતું કે વર્ષ 2023 દરમિયાન ગોત્રી વિસ્તારના માર્કેટિંગ એજન્ટ આદેશ દેવકુમારને મકરપુરા વિસ્તારમાં આવેલી તેમની રહેણાંક સ્કીમના મકાનોના માર્કેટિંગ માટે જવાબદારી સોંપવામાં આવી હતી.
પ્રમોટરોના જણાવ્યા મુજબ માર્કેટિંગ એજન્ટ દ્વારા વિવિધ ગ્રાહકો પાસેથી 35 મકાનોના ટોકન તેમજ અન્ય રકમ લેવામાં આવી હતી, જેમાંથી 28 મકાનોના બાનાખત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જોકે બાદમાં સાઇટ પર કામ ધીમું પડતા એજન્ટ દ્વારા દબાણ અને ધાકધમકી કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત કંપનીના ખાનગી દસ્તાવેજોની પણ વારંવાર માંગણી કરવામાં આવી હોવાનું પ્રમોટરોએ જણાવ્યું.
આ દરમિયાન અનેક ગ્રાહકો પ્રમોટરોનો સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમણે મકાન બુકિંગ માટે એજન્ટને રકમ ચૂકવી છે, પરંતુ કબજા અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. આ મુદ્દે પ્રમોટરો દ્વારા એજન્ટ સાથે બેઠક પણ યોજાઈ હતી. બાદમાં મધ્યસ્થી તરીકે એડવોકેટ અમિષ જયેશભાઈ દાદાવાલાની હાજરીમાં ચર્ચા કરી એજન્ટને દરેક મકાન માટે લેવાયેલી રકમ તથા બાકી હિસાબ રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી.
પ્રમોટરોનો આક્ષેપ છે કે એજન્ટ દ્વારા અત્યાર સુધી સંપૂર્ણ હિસાબ રજૂ કરવામાં આવ્યો નથી. તેથી જે લોકોએ આ યોજના હેઠળ મકાન બુક કરાવ્યા હોય તેઓએ પોતાના ક્લેમ તથા ચૂકવેલી રકમની વિગતો એડવોકેટના ઈમેલ amishadv.com@gmail.com પર મોકલવા અપીલ કરવામાં આવી છે, જેથી દરેક રોકાણકારને કાયદેસર હક મળી શકે.