વૈશ્વિક યુદ્ધની સ્થિતિની અસર રસોડે વર્તાઈ, બાળકો ભૂખ્યા ન રહે તે માટે તારા મંડળ ટ્રસ્ટ દ્વારા લાકડાના ચૂલા પર પૌષ્ટિક નાસ્તો તૈયાર કરાયો



(પ્રતિનિધિ), વડોદરા. તા.14
વડોદરા શહેરમાં કાર્યરત આંગણવાડીઓના હજારો બાળકોના પોષણ પર ગેસ સિલિન્ડરની અછતનું ગ્રહણ લાગ્યું છે. શહેરમાં આવેલી અંદાજે 499 જેટલી આંગણવાડીઓમાં નાસ્તો પૂરો પાડતા ‘તારા મંડળ ટ્રસ્ટ’ને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા, અંતે બાળકોને સમયસર આહાર મળી રહે તે હેતુથી સંસ્થાએ પરંપરાગત લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે કોમર્શિયલ ગેસના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. આ અછતની સીધી અસર વડોદરાના આંગણવાડીના રસોડા પર જોવા મળી રહી છે. અત્યાર સુધી આધુનિક ગેસ કનેક્શન પર બનતો શીરો, મસાલે ભાત અને તીખો શીરો આજે ધુમાડાની વચ્ચે લાકડા સળગાવીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટના પ્રતિનિધિ દિનેશભાઈએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં કોમર્શિયલ સિલિન્ડર ઉપલબ્ધ ન હોવાથી રસોઈ બનાવવી મુશ્કેલ બની હતી. પરંતુ સેંકડો બાળકોના ભોજનનો પ્રશ્ન હોવાથી અમે પ્રથમવાર લાકડાનો ઉપયોગ કરીને રસોઈ બનાવવાનો નિર્ણય લીધો છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગેસની અછતને કારણે એક પણ બાળક ભૂખ્યું ન રહે. આ ગંભીર સમસ્યા અંગે ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. સત્તાધીશો દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં ગેસ કનેક્શન અથવા સિલિન્ડરની વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવશે. જોકે, જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટ્રસ્ટ દ્વારા આ પ્રકારે ચૂલા પર રસોઈ બનાવીને આંગણવાડીના બાળકો સુધી પૌષ્ટિક નાસ્તો પહોંચાડવાનું ચાલુ રાખવામાં આવશે. વડોદરામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા આ ટ્રસ્ટની આ ત્વરિત નિર્ણયશક્તિને વાલીઓ અને સ્થાનિકો બિરદાવી રહ્યા છે, પરંતુ સાથે જ વહીવટી તંત્ર વહેલી તકે આ સમસ્યાનો હલ લાવે તેવી માગ પણ ઉઠી છે.