Vadodara

અમિતનગર બ્રિજ નજીકથી ચોરાયેલી બાઈક રેપિડોમાં ફેરવતો રીઢો ચોર ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના વધુ ગુનાઓ ઉકેલવાની દિશામાં તપાસ શરૂ કરી
ચોરી કરેલી હિરો સ્પ્લેન્ડર બાઈક સાથે આરોપીની ધરપકડ, અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે

વડોદરા ‘ શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના ગુનાઓને અંકુશમાં લેવા હાથ ધરેલી કામગીરી દરમિયાન અમિતનગર બ્રિજ નજીક પાર્ક કરેલી મોટર સાઇકલ ચોરી કરી તેને રેપિડોમાં ફેરવતો રીઢો આરોપી ઝડપાયો છે. પોલીસે આરોપી પાસેથી આશરે રૂ. 25 હજારની કિંમતની હિરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ કબજે કરી છે.
પોલીસ કમિશનર નરસિંહ કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર વિશેષ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીસીપી હિમાંશુ વર્મા અને એસીપી ડી.જે. ચાવડાના સુચન અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન પી.એસ.આઈ. આર.જી. જાડેજા અને પી.એસ.આઈ. એચ.ડી. તુવેરની ટીમને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન આરોપીનું નામ દિગેશ ગિરીશકુમાર ઠાકોર (ઉ.વ. 40) હોવાનું સામે આવ્યું છે. આરોપી વડોદરાના છાણી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી મળેલી હિરો સ્પ્લેન્ડર બાઈકના કોઈ દસ્તાવેજ ન મળતા પોલીસ દ્વારા પૂછપરછ કરતાં આરોપીએ પાંચ દિવસ પહેલાં અમિતનગર બ્રિજ નજીકથી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલી બાઈકને તેણે રેપિડોમાં ફેરવવા માટે નંબર પ્લેટ પણ બદલી નાખી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ પણ વાહનચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના સામે કેસ નોંધાયેલા છે. હાલ પોલીસ દ્વારા કબજે કરેલી બાઈક અંગે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top