જ્યારથી વિસ્તાર અને વર્ચસ્વની લડાઈઓ શરૂ થઈ છે ત્યારથી વિશ્વમાં વિવિધ દેશો વચ્ચે લડાઈ શરૂ થઈ છે. બે-બે વિશ્વયુદ્ધ થવા છતાં પણ આ લડાઈઓ ખતમ થઈ નથી. ઈરાન અને ઈરાક વચ્ચેનું યુદ્ધ દાયકાઓ સુધી ચાલ્યું હતું. રશિયા અને અમેરિકા વચ્ચે શીતયુદ્ધ વર્ષોથી ચાલી રહ્યું છે. જોકે, આ તમામ યુદ્ધમાં એટલી અસર નહોતી થતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પણ ભારતને એટલી અસર થઈ નહોતી પરંતુ જ્યારથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ભારત માટે સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. જીદે ભરાયેલા ઈરાને મિડલ ઈસ્ટમાં મિસાઈલો અને ડ્રોનનો માર્યો કર્યો છે અને હવે હોર્મુઝની ખાડી બંધ કરી દેતા ભારતમાં ઈંધણની કટોકટી શરૂ થવા પામી છે. આમ તો, સરકારી તંત્ર દ્વારા ઈંધણનો પુરતો જથ્થો છે તેવી ધરપત આપવામાં આવી રહી છે પરંતુ ગભરાટને કારણે આખા દેશમાં ગેસના બાટલા માટે લાઈનો લાગવા માંડી છે.
ભારત દ્વારા મોટાભાગે ક્રુડ ઓઈલ બહારથી આયાત કરવામાં આવે છે. ક્રુડ ઓઈલમાંથી પેટ્રોલ-ડિઝલ અને સીએનજી, એલપીજી તેમજ પીએનજી બનાવવામાં આવે છે. દેશમાં એવો માહોલ બની ગયો છે કે હાલમાં ગેસની અને ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલની અછત સર્જાય તેમ છે. હાલમાં સરકાર દ્વારા કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને ગભરાટનો માહોલ ત્યારથી જ શરૂ થઈ ગયો છે.
જ્યારે પણ આવો માહોલ સર્જાય ત્યારે લેભાગુઓ તેનો લાભ લેવા માટે સક્રિય થઈ જતા હોય છે. દેશમાં અછત કરતાં પણ વધુ સંગ્રહખોરી અને કાળાબજાર કરવાની વૃત્તિએ પરિસ્થિતિને વધુ વણસાવી છે. ગેસના બાટલા પુરતાં પ્રમાણમાં હોવા છતાં પણ સંગ્રહ કરવા માટે મોટાભાગે લાઈનો લાગી રહી છે અને તેને કારણે ગભરાટનો માહોલ વધુ ગંભીર બની રહ્યો છે. કામદાર નેતાઓની સાથે સાથે રાજકારણીઓ પણ આ મામલે સક્રિય થઈ ગયા છે અને તેને કારણે કામદારોમાં પલાયન પણ શરૂ થઈ ગયું છે.
સરકારી તંત્ર દ્વારા ‘સબસલામત’ની વાતો કરવામાં આવે છે, ગેસ સપ્લાય વધારવાની વાતો કરવામાં આવે છે પરંતુ હાલના સમયમાં જરૂરી એ છે કે સંગ્રહકર્તાઓ પર ત્રાટકવાની. સરકાર દ્વારા કાળાબજારી કરતાં તત્વો અને સંગ્રહખોરી કરતાં તત્વો સામે જો તાકીદે દરોડા પાડીને પગલાઓ લેવામાં આવે તો આ કટોકટી મોટા પ્રમાણમાં હળવી થઈ શકે તેમ છે. હાલમાં એવી સ્થિતિ જ નથી કે દેશમાં ગેસની તીવ્ર અછત સર્જાય. આ તો માત્ર ગેસની વાત છે અને શરૂઆત છે. ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલના મામલે પણ સંગ્રહખોરો પોતાની મેલી રમત રમી શકે છે.
ગેસ એજન્સીઓ દ્વારા પણ સંગ્રહખોરી શરૂ કરી દેવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગ કરવા જનારને પણ બાટલા મળશે નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. જેથી ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર થાય તે પહેલા જ આવા તત્વો સામે સરકારી તંત્ર દ્વારા આકરા પગલાઓ લેવામાં આવે તે જરૂરી છે. સરકારી તંત્ર દોડતું થાય તો બની શકે છે કે સંગ્રહખોરી પર અંકુશ આવે અને તેને કારણે હાલની સ્થિતિમાં ફરક પડે. મોટાભાગની આવી પરિસ્થિતિઓમાં ખરેખર સ્થિતિ ખરાબ હોવાની જગ્યાએ સંગ્રહખોરી અને કાળાબજારી જ પરિસ્થિતિને વધુ ખરાબ કરતી હોય છે. સરકાર આ મામલે ઝડપથી જાગે તે જરૂરી છે.