મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષ વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર નજીક ઈરાન દ્વારા કામિકાઝે ડ્રોન અને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોવાનું અહેવાલો જણાવે છે. હુમલા બાદ શહેરના કેન્દ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઊઠતા જોવા મળ્યા હતા. જોકે દુબઈ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ઇમારતને માત્ર નાનું નુકસાન થયું છે. ઘટના પછી શહેરની અનેક બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને ઓફિસમાં પરત ન ફરવા સૂચના આપી છે. અહેવાલો મુજબ ઈરાને અગાઉ અમેરિકી અને ઈઝરાયેલી નાણાકીય સંસ્થાઓને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. આ પહેલાં પણ દુબઈમાં એક લક્ઝરી રહેણાંક સ્કાયસ્ક્રેપર પર મિસાઈલ હુમલો થયો હતો, જેના કારણે દુબઈ ક્રિક હાર્બર વિસ્તારમાં આવેલી ઇમારતમાં આગ લાગી હતી. મિડલ ઇસ્ટમાં અમેરિકાએ અને ઈઝરાયલે તેહરાન પર “ઓપરેશન એપિક ફ્યુરી” હેઠળ હુમલા કર્યા બાદ ઈરાને સમગ્ર વિસ્તારમાં પ્રતિકારાત્મક હુમલાઓ શરૂ કર્યા છે, જેના કારણે દુબઈ સહિતના શહેરોમાં મિસાઈલ અને ડ્રોન હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે.
આ પહેલા મંગળવારે દુબઈ એરપોર્ટ નજીક થયેલા હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાં બે ઘાનાના નાગરિક, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. વધતા જોખમને ધ્યાનમાં રાખીને શનિવારે દુબઈમાં આવનજાવન કરતી તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી. એરલાઈન એમિરેટ્સે પણ કર્મચારીઓ અને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપવાની વાત કહી છે. આ દરમિયાન ઈરાકમાં અમેરિકી સેનાના બે KC-135 ટેન્કર વિમાનો વચ્ચે મધ્ય આકાશમાં ટક્કર થવાની ઘટનાની માહિતી પણ સામે આવી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર આ ઘટના “ઓપરેશન એપિક ફ્યુરી” દરમિયાન મિત્ર દેશોના હવાઈ ક્ષેત્રમાં બની હતી. ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી દરમિયાન આ અમેરિકી સેનાનું ચોથું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. અગાઉ ગયા અઠવાડિયે ત્રણ અમેરિકી ફાઇટર જેટ ભૂલથી મિત્ર દેશ કુવૈતની ફાયરિંગમાં તોડી પાડવામાં આવ્યા હતા.