SURAT

ગરમીનો કહેર વધતા આગની ઘટના ઓમાં વધારો

સુરત શહેરમાં વધતી ગરમી વચ્ચે આગના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં સુરત નાં મહિધરપુરા વિસ્તારમાં આવેલી એસપી આંગડિયા ઓફિસમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગ પાસે થી મળતી માહિતી મુજબ, ઓફિસના અંદરના ભાગમાંથી અચાનક ધુમાડા નીકળતા કર્મચારીઓ અને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

સૂચના મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટ સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઓફિસમાં રહેલી કેટલીક વસ્તુઓને નુકસાન પહોંચ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સૌભાગ્યે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં વધતી ગરમી વચ્ચે આગના બનાવોને ધ્યાનમાં રાખીને લોકો અને વેપારીઓને વધુ સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top