Vadodara

મહિલા દિવસે વોર્ડ-10 ની બહેનો માટે ધ કેરલા સ્ટોરી 2 ના ખાસ શોનું આયોજન

પ્રીતિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશનની પ્રેરણાદાયી પહેલ, ગોત્રી બંસલ મલ્ટિપ્લેક્સ ખાતે મહિલાઓએ નિઃશુલ્ક ફિલ્મ નિહાળી

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

વડોદરા :- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માત્ર ગુલાબ કે ભેટ સોગાદો પૂરતી સીમિત ન રહેતા, મહિલાઓમાં સામાજિક જાગૃતિ અને સુરક્ષાનો ભાવ જાગે તેવા ઉમદા આશય સાથે વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. સામાજિક કાર્યકર પ્રીતિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન દ્વારા વોર્ડ નંબર 10 ની મહિલાઓ માટે ગોત્રી સ્થિત બંસલ મલ્ટિપ્લેક્સ ખાતે ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનું ખાસ વિનામૂલ્યે સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં મહિલાઓ સામે આવતા પડકારો અને સામાજિક વાસ્તવિકતાથી બહેનો વાકેફ થાય તે માટે આ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 10 ના વિવિધ વિસ્તારોમાંથી સેંકડોની સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. મલ્ટિપ્લેક્સના હોલ નારી શક્તિ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે આયોજક પ્રીતિ અગ્રવાલે જણાવ્યું હતું કે, મહિલાઓ સમાજની ધરી છે. જો એક સ્ત્રી જાગૃત હશે, તો આખો પરિવાર અને સમાજ સુરક્ષિત રહેશે. આ ફિલ્મ બતાવવાનો અમારો મુખ્ય હેતુ મનોરંજનની સાથે સામાજિક સત્યને ઉજાગર કરવાનો અને બહેનોને સતર્ક કરવાનો છે. શનિદેવ ફાઉન્ડેશન ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા મહિલાઓના ઉત્થાન અને જનજાગૃતિના કાર્યોમાં અગ્રેસર રહે છે. આ આયોજન પાછળનો હેતુ મહિલા દિવસને સાર્થક બનાવવાનો છે. ફિલ્મ જોયા બાદ મહિલાઓએ ભાવુક થઈને પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ઉપસ્થિત બહેનોએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી તેમને સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે એક નવી દ્રષ્ટિ મળે છે. આટલા મોટા પાયે વિનામૂલ્યે આયોજન કરવા બદલ મહિલાઓએ પ્રીતિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Most Popular

To Top