એલસીબીના પીછા બાદ અકસ્માત, ચાલક ગાડી મૂકીને ફરાર
સ્કોર્પિયોમાંથી વિદેશી દારૂ મળી આવ્યો, બોડેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી
બોડેલી : છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ ફરી એકવાર પોલીસ દ્વારા નિષ્ફળ બનાવાયો છે. ગત રાત્રે બોડેલી–જબુગામ માર્ગ પર મેરિયા નદીના પુલ નજીક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ખાડામાં ખાબકી જતાં ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં બોડેલી પોલીસ અને છોટાઉદેપુર એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ ભરી એક સ્કોર્પિયો કાર છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગાડીનો પીછો શરૂ કર્યો હતો. પોલીસને પાછળ લાગેલી જોઈ સ્કોર્પિયો ચાલકે ગાડી પૂરઝડપે દોડાવી હતી.
ઝડપના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોડેલી–જબુગામ વચ્ચે મેરિયા નદીના પુલ નજીક સ્કોર્પિયો ખાડામાં ખાબકી ગઈ હતી. અકસ્માત સર્જાતા ચાલક ગાડીમાંથી નીકળી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે તપાસ કરતા સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. બાદમાં ક્રેનની મદદથી ગાડી બહાર કાઢી પોલીસે દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: ઝહીર સૈયદ, બોડેલી.