કપડાં ધોવાના બહાને ઘરે બોલાવી મોડીરાત્રે બળજબરી, અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ
બાપોદ પોલીસે આરોપી આકાશ સિંહને ઝડપી પાડી મોબાઇલ સહિતના પુરાવા જપ્ત કર્યા
વડોદરા, તા. 7 : વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી એક ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપી યુવકે કપડાં ધોવાના બહાને વિદ્યાર્થિનીને પોતાના ઘરે બોલાવી મોડીરાત્રે તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત યુવકે વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે બાપોદ પોલીસે આરોપી યુવકને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની સોશિયલ મીડિયા મારફતે આકાશ સિંહ નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા વધી હતી. આ દરમિયાન આરોપીએ પોતાના ઘરે વોશિંગ મશીન હોવાથી કપડાં ધોવા માટે આવવા કહ્યું હતું. મિત્રતામાં વિશ્વાસ રાખીને વિદ્યાર્થિની તેના ઘરે પહોંચી હતી.
પરંતુ રાત્રિનો સમય થઈ ગયો હોવાનું કહી યુવકે વિદ્યાર્થિનીને ઘરે જવા દીધી નહોતી અને ગેરસમજ ઊભી થવાની વાત કહી તેને પોતાના ઘરે જ રોકી રાખી હતી. બાદમાં મોડીરાત્રે આરોપીએ વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી તેની સાથે અશ્લીલ હરકતો કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
ઘટના દરમિયાન આરોપીએ મોબાઇલ ફોનમાં વિદ્યાર્થિનીના અશ્લીલ વીડિયો બનાવી લીધા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી ફરીથી મળવા તથા શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
વિદ્યાર્થિની આરોપીના ઘરમાંથી છૂટીને સીધી બાપોદ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી આકાશ સિંહને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી મોબાઇલ ફોન સહિતના પુરાવા જપ્ત કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.