SURAT

પાલ-ઉમરા બ્રિજ પર મધરાતે ભયંકર અકસ્માત,ડૉક્ટરને ઝોકું આવતાં કાર બેકાબૂ?, 5 લોકો ઈજાગ્રસ્ત

સુરત શહેરના પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે બનેલા એક અકસ્માતે ભારે હડકંપ મચાવી દીધો. જાણીતા તબીબની કાર અચાનક બેકાબૂ બનતાં રોડ પર લાઈનબંધ જઈ રહેલા વાહનોને અડફેટે લઈ લીધા હતા. ઘટનામાં એક ટેમ્પો અને ત્રણ બાઈક સહિત અનેક વાહનોને નુકસાન થયું હતું અને કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ભાઠા ગામના રહેવાસી 39 વર્ષીય ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરી પોતાની હોન્ડા WR-V કાર લઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. જણાવાય છે કે તેઓ રાત્રે લાંબી સર્જરી પૂર્ણ કરીને ઘરે જતાં હતા. પાલ-ઉમરા બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે તેમને અચાનક ઝોકું આવી જતાં કાર પરનો કાબૂ ગુમાવ્યો.

ગભરાટમાં બ્રેક દબાવવાને બદલે એક્સીલિટર દબાઈ જતા કાર ઝડપથી આગળ વધીને રોડ પર જઈ રહેલા અન્ય વાહનો સાથે ધડાકાભેર અથડાઈ ગઈ,આ અકસ્માતમાં હિમ્મતભાઈ બોરીચા, ભાવીકબેન ચુડાસમા, પારૂલબેન રાઠોડ, મનીષાબેન રાઠોડ અને પ્રકાશસિંગ નામના પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ઈમરજન્સી સેવા અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તમામને સારવાર આપવામાં આવી રહી છે. સદનસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડૉક્ટર નશાની હાલતમાં નહોતા. તેમનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું જેમાં નશાના કોઈ પુરાવા મળ્યા નથી. ડૉક્ટરે પોલીસ સમક્ષ જણાવ્યું કે લાંબી સર્જરી અને ભારે થાકને કારણે તેમને ડ્રાઈવિંગ દરમિયાન અચાનક ઊંઘ આવી ગઈ હતી.

પાલ પોલીસે ઘટનાસ્થળનો પંચનામો કરી તમામ વાહનો કબજે કર્યા છે. બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુના હેઠળ ડૉ. વિરલકાંત ચૌધરીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર ઘટનાની વધુ ટેકનિકલ તપાસ પણ ચાલી રહી છે.

Most Popular

To Top