મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા–ઈરાન સંઘર્ષ વચ્ચે દુબઈમાં ફસાયેલા મુસાફરોની મદદ માટે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર આગળ આવ્યા છે. કોરોના મહામારીથી લઈને કુદરતી આફતો સુધી હંમેશા લોકોની મદદ માટે જાણીતા સોનુ સૂદે હવે યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયેલા પ્રવાસીઓ માટે મફત રહેવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે દુબઈમાં જે લોકો યુદ્ધની સ્થિતિને કારણે અટવાઈ ગયા છે અને જેમને રહેવાની કોઈ વ્યવસ્થા નથી, તેમને મફત આવાસ આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ મદદ માટે કોઈ રાષ્ટ્રીયતા કે અન્ય શરતો લાગુ નહીં પડે. વીડિયોમાં સોનુ સૂદે જણાવ્યું હતું કે, “નમસ્તે મિત્રો, દુબઈમાં ચાલી રહેલી ઇમરજન્સી વચ્ચે જે લોકો ત્યાં ફસાયા છે અને રહેવાની વ્યવસ્થા નથી, તેઓ ચિંતા ન કરે. અમે સુનિશ્ચિત કરીશું કે તમને મફતમાં રહેવાની સુવિધા મળે. તમે ભારતના હો કે દુનિયાના કોઈ પણ ખૂણાના હો, જો તમે દુબઈમાં ફસાયા હો તો મને ઈન્સ્ટાગ્રામ પર DM કરો. જ્યાં સુધી તમે તમારા દેશ ન પહોંચી જાઓ ત્યાં સુધી અમે તમારી રહેવાની વ્યવસ્થા કરીશું.”
સોનુ સૂદની આ પહેલ સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા મેળવી રહી છે. ઘણા યુઝર્સ તેમને ‘સાચો સુપરસ્ટાર’ અને ‘રીયલ હીરો’ કહીને વખાણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોરોના મહામારી દરમિયાન હજારો પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં અને વિવિધ કુદરતી આફતો સમયે લોકોને મદદ કરવામાં સોનુ સૂદે મહત્વની ભૂમિકા ભજવી હતી. દુબઈમાં ફસાયેલા મુસાફરો માટેની આ સેવા તે @dugastapropertiesના સહયોગથી પૂરી પાડી રહ્યો છે, જેના કારણે સંકટની ઘડીમાં અનેક લોકોને મોટી રાહત મળવાની આશા છે.