કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો; વેસ્ટ મટીરિયલમાં આગ લાગતા મોટી જાનહાનિ ટળી


વડોદરા જિલ્લાના પોર વિસ્તાર પાસે આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. રામનાથ ગામ પાસે સ્થિત ‘પ્રગતિ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપનીના ખુલ્લા પ્લોટમાં પડેલા વેસ્ટ કચરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રામનાથ ગામની સીમમાં આવેલી પ્રગતિ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ, જે મુખ્યત્વે મચ્છરદાની બનાવવાનું કામ કરે છે, તેની પડતર જગ્યામાં રાખવામાં આવેલા વેસ્ટ મટીરિયલમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિક અને નેટના વેસ્ટને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા હતા, જેને પગલે કંપનીના કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ફાળ પડી હતી.
આગ અંગેની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા તેમની એક ટીમ મદદ માટે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગને પ્રસરી જતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગ માત્ર વેસ્ટ મટીરિયલમાં જ લાગી હતી, જેના કારણે કંપનીના મુખ્ય પ્લાન્ટ કે મશીનરીને કોઈ નુકસાન થયું નથી.
ઘટનાની જાણ થતા જ વરનામા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી આર્થિક ક્ષતિ થઈ નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.